(એજન્સી) જયપુર/હૈદરાબાદ, તા.૬
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા છે અને વિધાનસભાની ચૂંટણી માટે સાતમી ડિસેમ્બરે મતદાન યોજાશે. તેલંગાણામાં ૧૧૯ બેઠકો પર મતદાન થશે. તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)નો સામનો કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધન સાથે થયો છે. રાજસ્થાન અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ ૧૧ ડિસેમ્બરે આવશે. રાજ્ય વિધાનસભાની ૨૦૦માંથી ૧૯૯ બેઠક માટે ૧૮૯ મહિલા સહિત કુલ ૨૨૭૪ ઉમેદવાર સ્પર્ધામાં છે. બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે અલ્વર જિલ્લાના રામગઢ મતદારસંઘની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. બુધવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો. રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠક માટે સાતમી ડિસેમ્બરે સવારે ૮ઃ૦૦થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય તે માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું ચૂંટણે પંચે કહ્યું હતું. રાજસ્થાનમાં ૪.૭૭ કરોડ નોંધાયેલા મતદાર છે. ભાજપ શાસિત રાજ્યમાં ચૂંટણીપ્રચાર દરમિયાન ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર, યુવાનોને રોજગાર સહિતના મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા હતા. બંને પક્ષે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે. કૉંગ્રેસે ખેડૂતોની લૉન માફ કરવાનું વચન આપ્યું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી સંખ્યાબંધ સભામાં ભાજપ અને કૉંગ્રેસે એકમેક પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અને કૉંગ્રેસના વારસાગત શાસન અંગે બોલવામાં કશું જ બાકી નહોતું રાખ્યું.