(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
સરકારનો નોટબંધીનો ઈરાદો કાળું નાણું અને ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાનો હતો. નોટબંધી સમયે રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની ૧પ.૪૧ લાખ કરોડની નોટો ચલણમાં હતી. રિઝર્વ બેંકના રિપોર્ટમાં જણાવાયું છે કે નોટબંધી બાદ ૧પ.૩૧ લાખ કરોડની રદ કરેલી નોટો બેંકો પાસે પાછી આવી છે. તેનો અર્થ એ છે કે રદ કરાયેલ માત્ર ૧૦,૭ર૦ કરોડ રૂપિયાની નોટો બેંકો પાસે પરત આવી નથી. રિઝર્વ બેંકના આ રિપોર્ટ બાદ વિપક્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર લોકો મોદી સરકારને તીખા સવાલો કરી રહ્યા છે. જેમાં દેશના મોટા પત્રકારો પણ સામેલ છે. વરિષ્ઠ પત્રકાર અંશુમન તિવારીએ ટ્‌વીટ કરી લખ્યું છે કે લોકતંત્રની માંગ છે કે નોટબંધી પર સંસદમાં ચર્ચા થાય. સરકાર પાસે જવાબ માગવામાં આવે. દેશને જાણવાનો હક છે કે નોટબંધીથી શું મળ્યું, શું ગુમાવ્યું.
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ અંશુમન તિવારીની ટ્‌વીટ અંગે કહ્યું કે તમારી વાત સાચી છે. શું મળ્યું શું ગુમાવ્યુુું. પરંતુ જો તમે નોટબંધીની આલોચના કરો છો તો તમને દેશદ્રોહી ગણવામાં આવશે.
પત્રકાર સુશાંત સિંહાએ ટ્‌વીટ કરી કહ્યું કે વડાપ્રધાન જે પદ પર બેઠા છે. તે પદની જનતા પ્રત્યે જવાબદારી છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે રદ કરાયેલ ૯૯ ટકા નોટો પરત આવી ગઈ. ત્યારે વડાપ્રધાન જનતા વચ્ચે આવી કહે છે કે આ ખોટો નિર્ણય હતો અથવા તેનાથી થયેલા લાભ બતાવે ચૂપ કેમ છે.
પત્રકાર અભિશાર શર્માએ કહ્યું કે નોટબંધી માટે સોરી તો બને છે. નોટબંધી બાદ ૯૯.૩ ટકા નોટો પરત આવી. નોટબંધીનું જે લક્ષ્ય હતું તે કેટલું પૂરૂં થયું. તેટલું કાળું નાણું પાછું આવ્યું ? તે લોકો સિસ્ટમની પકડમાં છે કે કેમ તે તમે નક્કી કરો.
રવિશકુમારે લખ્યું કે નોટબંધી બ્હાનુ હતું. વડાપ્રધાનને તેમના સાથીઓના કાળા નાણા સફેદ કરવાના હતા. ભો બન્યા ગરીબ અને નાના વેપારીઓ.
ભૂપેશ ભાગલાએ કહ્યું કે નોટબંધી બાદ ૯૯ ટકા નાણા પરત આવ્યા. મતલબ નકસલીઓ, આતંકી સંગઠનો અને કાળું ધન છૂપાવીને રાખનારા બધા લોકોના પૈસા બેંકોમાં જમા થઈ ગયા. હવે ફરી ટીવી પર આવી દેશની ગરીબ અને મધ્યમવર્ગની જનતાની માફી માંગવી જોઈએ.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ પ૦ દિવસ માંગ્યા હતા. કોઈ ગલતી થઈ હોય તો ખુલ્લામાં આવી માફી માંગીશ. દેશ સજા કરશે તે ભોગવીશ.
હવે રર મહિના થયા ક્યારે ચોરાહામાં આવશો ? અવનીશ પાંડેએ કહ્યું કે સરકારે હજારની નોટ રદ કરી બે હજારની નોટ બહાર પાડી. નોટોની છાવણી પાછળ ૩૯૬પ કરોડનો ખર્ચ થયો. રિઝર્વ બેંકના કહેવા અનુસાર પ૦૦/૧૦૦૦ની નકલી નોટોની સંખ્યા ક્રમશઃ પ૯.૭ અને પ૯.૬ ટકા ઓછી થઈ. ગયા વર્ષની સરખામણીમાં ૧૦૦ રૂપિયાની નકલી નોટો ૩પ ટકા વધુ પકડાઈ. પ૦ રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં ૧પ૪.૩ ટકા વધારો થયો.