(એજન્સી) નવી દિલ્હી, તા.૮
દિલ્હી મહિલા આયોગની મદદથી અહીં નરેલામાં દારૂના રેકેટનો પર્દાફાશ કરનારી મહિલા પર વિસ્તારની જ કેટલીક મહિલાઓએ કથિત રૂપે હુમલો કરી દીધો. આ દરમિયાન તે લોકોએ મહિલા સાથે મારઝૂડ કરી અને તેના કપડા પણ ફાડી નાંખ્યા. જણાવાઈ રહ્યું છે કે, હુમલો કરનારી આ મહિલાઓ ગેરકાયદેસર દારૂના વેપારમાં સામેલ હતી. ઘટનાને પરેશાન કરનારી અને શરમજનક ઠેરવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને આ કેસમાં હસ્તક્ષેપ કરવા કહ્યું અને તે સ્થાનિક પોલીસકર્મીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો જેમની રેકેટ ચલાવનારાઓ સાથે કથિતરૂપે સાંઠગાંઠ છે. આ દરમિયાન પોલીસે ઘટનામાં સામેલ મહિલાઓની વિરૂદ્ધ જુદી જુદી સંબંધિત કલમો અનુસાર કેસ દાખલ કર્યો છે. બીજી તરફ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે મહિલાએ ગુરૂવારે રાત્રે નરેલામાં નિરીક્ષણ દરમિયાન આયોગને ગેરકાયદેસર રૂપે દારૂ વેચવા અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ તેના પર રપથી વધુ લોકોની ટોળકીએ લોખંડના દંડાઓ વડે હુમલો કરી દીધો. સ્વાતીએ જણાવ્યું કે, મહિલાના કપડાં ફાડી નાંખવામાં આવ્યા અને વિસ્તારમાં તેને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે અને આ વીડિયોને વાયરલ પણ કરી દેવામાં આવ્યો છે. સ્વાતીએ વધુમાં જણાવ્યું કે આ ઘટના સાબિત કરે છે કે વિસ્તારમાં સંપૂર્ણપણે અરાજકતા ફેલાયેલી છે અને કાયદાનો કોઈને ડર નથી. તેમણે કહ્યું પરેશાન કરનારી બાબત એ છે કે પોલીસે મહિલાની રક્ષા માટે કોઈ કાર્યવાહી કરી નથી. સ્વાતીએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં પીડિતા આરોપ લગાવી રહી છે કે, બુટલેગરો વિરૂદ્ધ અવાજ ના ઉઠાવવા માટે તેને ધમકી આપવામાં આવી છે.