(એજન્સી) બેઇજિંગ, તા. ૧૫
ઉઇઘર મુસ્લિમો પર માનવઅધિકાર ઉલ્લંઘન મામલે ચીનને હવે ઘેરવાની તૈયારી થઇ રહી છે. બેઇજિંગમાં પશ્ચિમી દેશોના ૧૫ રાજદૂતોનું એક સમૂહ ચીનના અશાંત શિનજિયાંગ ક્ષેત્રમાં ટોચના અધિકારીઓ સાથે બેઠક કરવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીનનું શિનજિયાંગ પ્રાંત મુસ્લિમ બહુમતીવાળું છે અને ચીન સરકાર તેમના પર હંમેશા દમન ગુજારતી હોવાના અહેવાલો આવતા રહે છે. હવે પશ્ચિમી દેશોના રાજદૂતોએ ચીન પાસે આ અંગે જવાબ માગવાની યોજના બનાવી છે જેમાં મહત્વની ભૂમિકા કેનેડાની છે. ટોચની સમાચાર એજન્સીને પત્રનો એક ડ્રાફ્ટ મળ્યો છે જે અનુસાર આ તમામ રાજદૂતો એક પત્ર લખીને શિનજિયાંગની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ચેન ક્વાંગુઓને અપીલ કરશે. ચીનમાં માનવ અધિકાર મામલે આ પ્રકારે ઘણા દેશોનો સામુહિક પ્રયાસ ઘણું મહત્વ રાખે છે. નોંધનીય છે કે, મુસ્લિમો વિરૂદ્ધ નીતિઓને લઇ કાર્યકરો, શિક્ષણવિદ્દો, વિદેશી સરકારો જ નહીં પણ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર નિષ્ણાતોએ પણ બેઇજિંગની આકરી ટીકા કરી છે.
ચીનમાં મોટી સંખ્યામાં ઉઇઘર મુસ્લિમો અને અન્ય મુસ્લિમ જૂથોને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે છે અને તેમના પર આકરી નજર રાખવામાં આવે છે સાથે જ અત્યાચારો પણ ગુજારવામાં આવે છે. અહીંના મુસ્લિમો આ વિસ્તારને જ પોતાની માતૃભૂમિ ગણાવે છે. ઓગસ્ટમાં સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પેનલે કહ્યું હતું કે, તેને ઘણી વિશ્વસનીય માહિતીઓ મળી છે કે, ૧૦ લાખ અથવા તેના કરતા વધુ ઉઇઘર મુસ્લિમોને હિરાસતમાં રાખવામાં આવ્યા છે. જોકે, ચીન આ આરોપોને ઇન્કાર કરે છે. તે આવા કેન્દ્રોને શિક્ષણ કેન્દ્ર ગણાવે છે. ચીન દલીલ કરે છે કે, નાના-મોટા અપરાધોમાં દોષિત ઠેરવાયેલા લોકોને પણ તે વ્યવસાયિક કેન્દ્રોમાં મોકલે છે જેનાથી તેઓને રોજગારની તકો અપાવી શકાય. દુનિયાભરના દેશો દ્વારા માનવ અધિકાર અંગે ટીકા કરવાની બાબતને ચીન અન્ય દેશોમાં દખલ ગણાવે છે. ચીનના ટોચના રાજદૂતે મંગળવારે પણ જણાવ્યું હતું કે, દુનિયાના લોકોએ શિનજિયાંગ મુદ્દે ચર્ચા કરવાને બદલે અધિકારીઓ પર ભરોસો કરવો જોઇએ. હાલ એ સ્પષ્ટ નથી કે આ પત્ર મોકલ્યો છે કે પછી તેમાં સંશોધન કરવાના બાકી છે. એક દૂતાવાસના સૂત્રે કહ્યું છે કે, ઘણા દેશો તેના પક્ષમાં છે. કેટલાક રાજદૂતોમાં એવો પણ ભય છે કે, વધુ ચર્ચા કરવાથી ચીન નારાજ થઇ જશે કારણ કે ચીને ઘણા દેશોમાં પોતાનું રોકાણ કરી રાખ્યું છે.
ચેનને સંબોધીને લખાયેલા પત્રમાં રાજદૂતોએ કહ્યું છે કે, તેઓ શિનજિયાંગ અંગે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટથી ઘણા ચિંતિત છે. પત્રના ટ્રાફ્ટ અનુસાર સામુદાયિક લઘુમતીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર થઇ રહ્યો છે તેને લઇ આવતા રિપોર્ટોને કારણે અમે ઘણા વ્યથિત છીએ. સ્થિતિને યોગ્ય રીતે સમજવા માટે અમે તમારી સાથે બેઠક કરવા માગીએ છીએ. આ પત્રને ચીનના વિદેશ મંત્રાલય સહિત બે અન્ય વિભાગોમાં મોકલવાની તૈયારી કરાઇ છે. જોકે, હાલ ચીનના કોઇ અધિકારીનું આ અંગે કોઇ નિવેદન આવ્યું નથી.