(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
ચીનના રાષ્ટ્ર પ્રમુખની અમદાવાદ મુલાકાત વખતે રાજ્યમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનો કરાર થયો હતો. કરાર થયાને પાંચ વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં આજે પાર્ક સ્થાપવા માટે ર૦૦.૮ર હેક્ટરની જમીનની જરૂરિયાત સામે માત્ર પપ.ર૮ હેક્ટર જમીનની જ ખરીદી કરવામાં આવી છે એટલે જરૂરિયાતની જમીન કરતાં ર૭.પ૩ ટકા જ જમીન ખરીદવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની કામગીરી ગોકળગાયની ગતિમાં ચાલી રહી છે. ત્યારે ગતિશીલ ગુજરાત કેવી રીતે કહેવાય ?
ગુજરાત વિધાનસભામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે પ્રશ્ન પૂછ્યો હતો કે વર્ષ ર૦૧૪માં ચીનના રાષ્ટ્ર પ્રમુખની અમદાવાદ મુલાકાત વખતે રાજ્યમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનો કરાર થયો હતો. તેમાં પાર્ક સ્થાપવાની કાર્યવાહી કયા તબક્કે છે ? પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે ચીનના રાષ્ટ્ર પ્રમુખની વર્ષ ર૦૧૪ની અમદાવાદ મુલાકાત વખતે રાજ્યમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનો કરાર થયો હતો તે અંતર્ગત તા.૩૧-પ-ર૦૧૯ની સ્થિતિએ ચાઈના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ સંસ્થાએ ર૦૦.૮ર હેક્ટર જમીનની જરૂરિયાત સામે માત્ર પપ.ર૮ હેક્ટર જમીન ખરીદી છે. બાકીની જમીન મેળવવાનું કામ ચાલુ છે. જો કે આ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સાણંદ નજીક સ્થાપવામાં આવશે એમ મુખ્યમંત્રીએ જવાબમાં જણાવ્યું હતું. ત્યારે એક તરફ વિકાસની હરણફાળ ભરતું ગુજરાત, ગતિશિલ, પ્રગતિશીલ ગુજરાતના સૂત્રો દ્વારા ગુજરાત વિકાસની વાતો દેશ અને દુનિયા સમક્ષ કરતી ભાજપ સરકારના શાસનમાં જ ચીનના રાષ્ટ્ર પ્રમુખની અમદાવાદ મુલાકાત વેળા ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનો કરાર થયાને પાંચ વર્ષ જેટલો સમય વિતી ગયો તેમ છતાં પાર્ક સ્થાપવાની જરૂરિયાતની જમીન સામે ચાઈના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ સંસ્થાએ માત્ર ર૭.પ૩ ટકા જ જમીન ખરીદી છે. એટલે ચીનને પણ ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં રોકાણ કરવામાં રસ જ નથી.