(સંવાદદાતા દ્વારા) આમોદ, તા.૨૬
આમોદ તાલુકા પંચાયતના કોંગ્રેસના ચાર સભ્યોએ જિલ્લા પ્રમુખને રાજીનામા ધરી દેતાં રાજકીય હલચલ મચી જવા પામી હતી. આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તથા જિલ્લા કોંગ્રેસમાં વિવિધ વરણીઓ બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખથી નારાજ થઈને આમોદ નગરપાલિકાના ૧૫ સદસ્યોના રાજીનામા બાદ ગતરોજ આમોદ તાલુકા પંચાયતના કોંગ્રેસના ચાર સભ્યોએ અંગત કારણો દર્શાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામુ આપી દેતા હલચલ મચી જવા પામી હતી જયારે આ બાબતે આમોદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બચુ શેઠે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જિલ્લા કોંગ્રેસે આમોદ તાલુકા કોગ્રેસના આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના જે નિર્ણયો લેવામાં આવ્યા છે. એની સામે કાર્યકરોમાં ભારે નારાજગી છે. જેને પગલે આમોદ નગરપાલિકાના કોંગ્રેસના ૧૫ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોંગ્રેસના છ સભ્ય પૈકી ચાર સભ્યોએ જિલ્લા પ્રમુખને રાજીનામા ધરી દીધા છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા મનસ્વી રીતે લેવાતા નિર્ણયોથી પાર્ટીને મોટું નુકસાન થવાની ભીતિ માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ બચુ શેઠે દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્ટીના આગેવાનો કોઈ ડેમેજ કંટ્રોલ અટકાવે તે પહેલાં ચાર તાલુકા પંચાયતના સભ્યોએ રાજીનામાં ધરી દેતા રાજકીય ઉત્તેજના ફેલાઈ જવા પામી છે.