(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.પ
રાજયસભાની ગુજરાતમાં આજે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાન કર્યા બાદ કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે રાજીનામા આપી દેતા કોંગ્રેસનો ફટકો પડવા સાથે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. આ બંને ધારાસભ્યોએ પૂર્વ આયોજિત રીતે આજે પ્રથમ ક્રોસ વોટિંગ કર્યું હતું અને તે પછી તરત જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી પોતાના રાજીનામા વિધાનસભા અધ્યક્ષને ધરી દીધા હતા. આ બંને ધારાસભ્યોની આ હરકતને લઈ કોંગ્રેસના અગ્રણીઓ દોડતા થઈ ગયા હતા. અગ્રણીઓએ આ બંને સભ્યોનો મત કેન્સલ કરવા કેન્દ્રીય ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. વ્હીપનો અનાદર કરવા બદલ બંનેને કાયમી ડિસ્કવોલીફાય કરવાની પણ માગ કરાઈ છે. તો પક્ષાંતર ધારા હેઠળ કેસ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. જેના કારણે બંને છ વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે, તેવી વિગત પણ પ્રાપ્ત થવા પામી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીના મતદાન બાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતાં તેમને કાયમી ડિસ્કવોલિફાય કરવામાં આવે તેવી કોંગ્રેસ નેતા બાબુ માંગુકિયાએ માંગ કરી છે. આ ઉપરાંત બંનેના મત રદ કરવાની પણ રજૂઆત કરાઈ છે. કોંગ્રેસનાં બાગી નેતા અને રાધનપુરનાં ધારાસભ્ય અલપેશ ઠાકોરે પ્રિ-પ્લાન મુજબ રાજ્યસભાનાં મતદાનમાં પાર્ટીનાં આદેશનો ઉલાળીયો કરીને ક્રોસ વોટીંગ કર્યું છે. અલપેશ ઠાકોરની સાથે તેમનાં ઠાકોર સેનાનાં સાથી અને બાયડનાં કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ક્રોસ વોટીંગ કર્યું છે. જે બાબત કોંગ્રેસનાં પ્રતિનીધી બ્રિજેશ મેરજાને ધ્યાને આવતા તેમણે ચૂંટણી અધિકારીને આ બાબતે વાકેફ કર્યા હતાં. તેમજ યોગ્ય પગલા ભરવાની માગ સાથે દિલ્હી સ્થિત મુખ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. અહિં મોટો સવાલ એ છે કે, કોંગ્રેસનાં વ્હીપનો અનાદર કર્યા બાદ પક્ષાંતર ધારા હેઠળ અલપેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરૂદ્ધ ચૂંટણી પંચ પગલા ભરશે કે કેમ? જો કે આ બાબતે નોંધ લેવા માટે ગુજરાત કોંગ્રેસનાં આગેવાનોએ કેન્દ્રિય ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તેમજ આ બાબતે કોંગી આગેવાન અને વરીષ્ઠ અધિવક્તા બાબુ માંગુકિયાએ સુપ્રિમ કોર્ટનાં ચુકાદાનો હવાલો આપીને ક્રોસ વોટીંગ કરનારા બન્ને વિધાયક સામે પગલા ભરવાની અને કાયમ માટે ડિસ્કવોલિફાય કરવાની માંગણી કરી છે.