(એજન્સી) તા.૧૦
સોમવારે ઘણા બધા મંત્રીઓના સંયુક્ત બળવાથી યુકેના વડાપ્રધાન થેરેસા મેની સરકાર ગંભીર રાજકીય કટોકટીમાં સપડાઈ હતી. સૌ પ્રથમ બ્રેકઝિટ મંત્રી ડેવિડ ડેવિસે તેમના રાજીનામાની જાહેરાત કરતાં કહ્યું હતું કે તે માને છે કે બ્રેકઝિટ માટે યુકેની યોજના ધીમી પડી ગઈ છે અને જો તે આ પદ પર કાયમ રહેશે તો તે એક એવી વ્યક્તિ બની જશે જે નારાજ હોવા છતાં બળજબરીપૂર્વક પદ પર છે. ડેવિડ ડેવિસના રાજીનામા પછી ઉપ બ્રેકઝિટ મંત્રી સ્ટીવ બ્રેકરે રાજીનામું આપી દીધું હતું. આ બન્ને મંત્રીઓના રાજીનામા પછી વિદેશ સચિવ બોરિસ જોહન્સને પણ આ જ મુદ્દા પર તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે વડાપ્રધાન થેરેસા મેને લખેલા રાજીનામા પત્રમાં લખ્યું હતું કે વ્હાલી થેરેસા, બ્રિટિશ લોકોએ યુરોપિયન સંઘ છોડવા માટે મતદાન કર્યું હતું. તેને બે વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો. બ્રેકઝિટ એક તક અને આશા સમાન હતું પરંતુ હવે આ સ્વપ્ન મૃત્યુ પામી રહ્યું છે.