કચ્છ, તા.૧૨
રાપરના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપી દીધાના અહેવાલ અંગે ખુદ ધારાસભ્યએ સ્પષ્ટતા કરી છે. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, તેઓ કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે. સામે આવેલા વીડિયોમાં સંતોકબેન કહી રહ્યા છે કે, “હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાની છું. મેં ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું. ભાજપ મારા રાજીનામા અંગે ખોટી વાતો ફેલાવી રહી છે. ભાજપના લોકો ખોટા પત્તા ઉડાવી રહ્યા છે, પરંતુ હું કોંગ્રેસ છોડીને ક્યારેય નથી જવાની.”
ઉલ્લેખનીય છે કે સોમવારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું તેમજ ભાજપમાં જોડાયા હતા. મંગળવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી ત્યારે રાપના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યાની અફવા ઉડી હતી.
સંતોકબેને રાજીનામું આપી દીધાના અહેવાલ વચ્ચે તેમના પરિવારે રાજીનામું આપ્યાની વાત ફગાવી દીધી હતી. બીજી તરફ વિધાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પ્રાથમિક અહેવાલ બાદ જણાવ્યું હતું કે, હજુ સુધી તેમને રાજીનામું મળ્યું નથી.