(એજન્સી) તા.૧પ
કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળ (એસ)નો શાસક ગઠબંધન શ્રેણીબદ્ધ રાજીનામા પછી ગુરૂવારે વિશ્વાસનો મત પૂરવાર કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ રાજ્યની વિધાનસભામાં એજન્ડા નક્કી કરવા માટે મળેલી સમિતિની બેઠક પછી કહ્યું હતું કે, ૧૮ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે ચર્ચા શરૂ થયા પછી વિશ્વાસ મત પૂરવાર કરવામાં આવશે. મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ ગયા શુક્રવારે વિશ્વાસ મત પૂરવાર કરવાની ઓફર કરતાં કહ્યું હતું કે, તેમની સરકાર સ્થિર છે. આ જ દિવસે કોંગ્રેસ, જે.ડી.(એસ) અને ભાજપે તેમના ધારાસભ્યોને જુદી જુદી રિસોર્ટમાં ખસેડી દીધા હતા. કુમારસ્વામીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમે વિશ્વાસ મત પૂરવાર કરીશું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ર અઠવાડિયાથી ૧૮ ધારાસભ્યના રાજીનામા પછી કર્ણાટકની ગઠબંધન સરકાર સામે સંકટ ઊભું થયું હતું. કોંગ્રેસ જેડીએસ ગઠબંધનના ૧૬ ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. જો આ રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા હોત તો ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ૧૧૮થી ઘટીને ૧૦૦ થઈ ગઈ હોત અને બહુમતી માટેનો આંકડો ઘટીને ૧૧૩થી ૧૦પ થયો હોત. આ સ્થિતિમાં ભાજપ પાસે પોતાના ૧૦પ ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે ૧૦૭નું સંખ્યમબળ થયું હોત.