(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
જમિયતે ઉલમા-એ-હિન્દના રાષ્ટ્રીય મહામંત્રી મૌલાના સૈયદ મહમૂદ મદનીએ પોતાના હોદ્દેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું અધ્યક્ષ કારી મોહમ્મદ ઉસ્માન મંસુરપુરીને મોકલ્યું છે. મૌૈલાના મહમૂદ મદનીએ રાજીનામું આપવાના ઓચિંતા લીધેલા નિર્ણયથી બધા આશ્ચર્યચકિત છે. જોકે, રાજીનામું આપવાનું શું કારણ છે, તેના વિશે ન તો મદની કશું કહેવા માટે તૈયાર છે અને કારી ઉસ્માન પણ કશું જ બતાવી રહ્યા નથી. મૌલાના મદનીએ મંગળવારે રાત્રે અધ્યક્ષ કારી ઉસ્માન મંસુરપુરીને પોતાનું રાજીનામું એક સીલબંધ કવરમાં મોકલ્યું હતું અને રાજીનામાનો પત્ર વાંચીને કારી ઉસ્માન મંસુરપુરી ભારે પરેશાન થયા છે.
મૌલાના મદનીએ કારી ઉસ્માનને મોકલેલા રાજીનામામાં કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો છે, એ શબ્દો ઘણા પ્રશ્નો ઊભા કરે છે. મૌલાના મદનીએ રાજીનામામાં પોતાને કામ વગરના કે નક્કામા ગણાવ્યા છે. મૌલાના મદની દ્વારા મોકલવામાં આવેલા રાજીનામાની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઇસ્લામિક વર્તૂળોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે. આ બાબતના સંદર્ભમાં મૌલાના મદની સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે તેમણે રાજીનામું આપ્યું છે પરંતુ તેના શું કારણો છે, એ બાબતે તેમણે માત્ર એટલું કહ્યું કે તેમણે રાજીનામામાં બધું જ લખ્યું છે. જ્યારે બીજીબાજુ મૌલાના મદનીનું રાજીનામું મળ્યાનું કારી ઉસ્માને કહ્યું છે પરંતુ ઓચિંતા રાજીનામા આપવા વિશે હાલમાં કશું જ કહેવાનું વહેલું હશે. જોકે, એટલું ચોક્કસ છે કે મૌલાના મદની ઘણી વાર મૌખિકરીતે પોતાની મજબૂરીઓ વ્યક્ત કરી ચૂક્યા છે. કારી ઉસ્માને કહ્યું કે તેમણે મૌલાના મદનીને રાજીનામા અંગે પુનઃવિચાર કરવાનું કહ્યું છે.