(એજન્સી) શ્રીનગર, તા.ર૩
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીના મામા સરતાજ મદનીએ પીડીપીના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. મીડિયા સાથે વાતચીત કરતાં એમણે જણાવ્યું કે, પક્ષના હિતોને સાચવવા માટે હું રાજીનામું આપી રહ્યો છું. એમણે કહ્યું કે મેં પક્ષની અધ્યક્ષા મહેબૂબા મુફતીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. મદની દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાની દેવસર મતવિસ્તારમાંથી ર૦૧૪માં વિધાનસભાની ચૂંટણી લડયા હતા જેમાં એ હારી ગયા હતા. મદની અને અન્ય કેટલાક નેતાઓથી પીડીપીના અસંતુષ્ટો નારાજ થયા હતા. એમના આક્ષેપો હતા કે પીડીપીમાં નજીકના સંબંધીઓને વધુ મહત્ત્વ આપવાથી પીડીપીમાં કટોકટી ઊભી થઈ છે અને જેની કિંમત રાજ્યમાંથી સત્તા ગુમાવી ચૂકવી છે.