(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
યુ.પી.એ પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત અન્ય નેતાઓએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ર૭મી પૂણ્યતિથિના અવસરે વીરભૂમિ પહોંચી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ પોતાના પિતાને યાદ કરતાં ટ્‌વીટ કરી હતી કે, “મારા પિતાએ મને શીખવાડ્યું કે નફરત તેને સાથે લઈને ચાલનારાઓ માટે કેદ સમાન છે. આજે તેમની પૂણ્યતિથિએ મને તમામને પ્રેમ અને સન્માન આપવા શીખવવા બદલ તેમનો આભાર માનું છું. આ સૌથી બહુમૂલ્ય ભેટ છે જે એક પિતા પોતાના પુત્રને આપી શકે.” આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજીવ ગાંધીને યાદ કરતા ટ્‌વીટ કરી હતી. કોંગ્રેસ નેતાઓ દિગ્વિજયસિંઘ, પી.એલ પુનિઆ, રનદીપસિંઘ સુરજેવાલા, સંજય નિરૂપમ અને ભુપેન્દ્રસિંઘ હુડાએ રાજીવ ગાંધીને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતરત્ન રાજીવ ગાંધીની ર૧ મે, ૧૯૯૧ના રોજ ચેન્નાઈમાં હત્યા કરવામાં આવી હતી.