અમદાવાદ,તા.ર૧
ર૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીએ દેશની એકતા અને અખંડિતતા માટે બલિદાન આપ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષ રાજીવ ગાંધીએ કરેલા કામો કાર્યક્રમો અને વિચારોને લઈને દર વર્ષે કાર્યક્રમો આપશે. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવા મતદારોને સ્મૃતિચિહ્‌ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ૧૮ વર્ષે પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરનાર યુવા મતદારોનું સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત એક યુવાન દેશ છે આ યુવાન દેશની પરખ વિશ્વને રાજીવ ગાંધીએ કરાવી ભારત દેશમાં ૧૮ વર્ષે યુવાનોને મતાધિકાર આપી યુવા ભારતના નિર્માણ માટે લોકતંત્રને મજબૂતી આપી તેમના કાર્યકાળમાં દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્રાંતિ અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ અમલમાં આવી જેના મીઠા ફળ સમગ્ર ભારતવાસીઓ અનુભવી રહ્યા છે અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં અગ્રીમ રાષ્ટ્ર તરીકે સન્માનભેર આગળ વધી ચૂકયું છે. ભાજપ એ જમાનામાં રાજીવ ગાંધીની મજાક મશ્કરી કરતો હતો. અટલ બિહારી વાજપેયી રાજીવ ગાંધીની ઠેકડી ઉડાડતા હતા. પણ સ્વદેશ જાગરણ મંચ, ભાજપનું એક અંગ એ અંગ દ્વારા દેશને એવું બતાવવા માગતા હતા કે આ યુવાન દેશને પાછળ લઈ જશે બળદગાડામાં લોકસભામાં આવ્યા અને કહેવા લાગ્યા કે આ કોમ્યુટર યુગમાં લઈ જઈને આ દેશની ખાનાખરાબી કરી નાખશે અને હાલના વડાપ્રધાન હવે કહેવા લાગ્યા કે ડીજીટલ ઈન્ડિયા, લાવનારૂ કોણ ? એમને રાજીવ ગાંધીની યાદ નહીં આવી હોય એમને વિચાર નહીં આવ્યો હોય આ દેશમાં આર્થિક ક્રાંતિની શરૂઆત પણ રાજીવ ગાંધીએ કરી હતી.
કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે જીન્સ પેન્ટ અને ટી-શર્ટમાં યુવાનોના પ્રતિનિધિ એવા રાજીવ ગાંધીએ હંમેશા નવા વિચારો સાથે વિશ્વમાં ભારતને શકિતશાળી દેશ બનાવ્યો. આર્થિક સધ્ધરતા એકલી આ દેશની સંસ્કૃતિને મજબૂત કરી શકે નહીં અને એટલા માટે જ આ દેશને અખંડિત રાખવા માટે તેમના પ્રયત્ન ચાલુ રહ્યા અને આ દેશના વિકાસમાં જે પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ એકલાથી જ સૌનું સારૂં નહીં થાય એટલા માટે તેમને મહિલાઓને જોડવાનો પ્રયત્ન કર્યો. દેશને અખંડિત રાખવા માટે તેમના પ્રયત્ન ચાલુ રહ્યા અને આ દેશના વિકાસમાં જે પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ એકલાથી જ સૌનું સારૂં નહીં થાય. એટલા માટે તેમણે મહિલાઓને જોડવાનો પ્રયત્ન કર્યો દેશમાં પંચાયતી રાજ દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ ભાગીદારી માટે મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, દેશના સામન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન આવે તે માટે પરવડે તેવી કિંમતમાં ટેકનલોજી હોય કે પછી શિક્ષણ નીતિ હોય કે પછી વ્યવસ્થામાં જુદા જુદા ફેરફારો હોય. રાજીવ ગાંધી હંમેશા આધુનિક વિચારનો સ્વીકાર કરીને છેવાડાના માનવીનો વિચારી કરીને કામ કરતા હતા. સમગ્ર વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી કરવામાં રાજીવ ગાંધીનું મહત્વનું યોગદાન રહ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા સહિત યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ, સેવાદળ એનએસયુઆઈના પદાધિકારીઓ, કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજીવ ગાંધીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનિષ દોશીએ કર્યું હતું કાર્યક્રમની આભારવિધિ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે કરી હતી.