(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
૧૯૯૯ ની સાલમાં રાજીવ ગાંધીના હત્યારાઓને દોષી ઠેરવવાની પુષ્ટિ કરનાર ત્રણ સભ્યોની બેન્ચનો ભાગ બનેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થોડી દયા દાખવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દોષીઓને થોડી રાહત આપવાની જરૂર છે. જજે ઉમેર્યું કે બેકલાશની બીકે ભાજપ દોષીઓને જેલમાંથી છોડતી નથી. નિવૃત જજ કે ટી થોમસે એ વાતનો ઉલ્લેખ કર્યો કે ૨૦૧૪ માં તમિલનાડુ સરકાર દ્વારા દોષીઓને આપવામા આવેલી રાહતનો કેન્દ્ર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલમાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. જસ્ટીસ થોમસે નાથૂરામ ગોડસેના ભાઈ ગોપાલ ગોડસેને છોડી મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ટાંક્યો હતો. જસ્ટીસ થોમસે પત્રના અંતમાં કહ્યું કે મને લાગે છે કે હાલના તબક્કે દોષીઓ પ્રત્યે દયા દાખવવાની જરૂર છે. મને એવું પણ લાગી રહ્યું છે કે કેદીઓને દયા દાખવવા આવશે તો તેનાથી ભગવાન પણ રાજી થશે. જજે આગળ કહ્યું કે જો આવું કહીને તમને કંઈ ખોટું કહ્યું હોય તો માફી ચાહુ છું. તેમણે કહ્યું કે મને એ વાતની ખબર છે કે તેમે રાજીવ ગાંધીના દોષીઓને હત્યારા માની રહ્યાં છે પરંતુ હું તમને દયા દાખવવાની વિનંતી કરી રહ્યો છું. ૨૦૧૫ માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ભારપૂર્વક કહ્યું હતું કે રાજીવ ગાંધીની હત્યામાં વિદેશી તત્વોની સંડોવણીનું ષડયંત્ર હોવાથી કેદીઓ કોઈ પણ રીતે દયાને પાત્ર નથી. કોંગ્રેસે કહ્યું કે અમારા પૂર્વ વડાપ્રધાનને આ લોકોની હત્યા કરી નાખી. રાજીવ ગાંધીની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. એ જ વર્ષનાડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષીઓને છોડી મૂકવા કે તેમની પ્રત્યે દયા દાખવવી તેનો સંપૂર્ણ અધિકાર તમિલનાડુ સરકારનો છે.