(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
સોશિયલ મીડિયામાં ભારતના માજી વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર કલેક્ટર મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોલીસ કમિશનર સતિષ શર્માને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સુરતના કલેક્ટરે પોતાના વોટ્‌સએપ ગ્રુપમાં ‘કોંગ્રેસી ગલા ફાડ ફાડ કર ચિલ્લા રહે હે વિદેશ સે બુલેટ ટ્રેન લાને કી જરૂરત ક્યા હૈ ? જરૂરત તો વિદેશ સે ઔરત લાને કી ભી નહીં થી પર રાજીવ ગાંધી લે કે આયે ?’’ આ મુજબનો મેસેજ પોતાના મિત્ર વર્તુળમાં મોકલેલ છે અને સરેઆમ જાહેરમાં વોટ્‌સએપ ઉપર આ મેસેજ મુકાયેલ છે. કલેક્ટરે જે ગ્રુપમાં આ પ્રકારના મેસેજ મૂક્યા છે. તેમાં પોલીસ ખાતાના તથા કલેક્ટર ખાતાના ઘણા અધિકારીઓ જોડાયેલા છે. આ મેસેજથી એ વાત પૂરવાર થાય છે કે, કલેક્ટર સનદી અધિકારી તરીકે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને તેમને સોનિયા ગાંધી સાથે લગ્ન કરીને તેમણે ભારતના નાગરિક બનાવ્યા હતા. તેમને ભારતીય સંસ્કૃતિમાં ઓતપ્રોત કરી દીધા, આજે સોનિયા ગાંધી જન્મે ભારતીય સ્ત્રી હોય તે રીતે ભારતીય સંસ્કૃતિને અનુસરી રહ્યા છે તેમ છતાં વિપક્ષો વારંવાર રાજકીય કારણોસર તેમના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે તે રીતે આજે કલેક્ટર મહેન્દ્ર પટેલ જાણે રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે લગ્ન કરીને કોઈ ગુનો કરેલ હોય તે રીતે વોટ્‌સએપ ઉપર દર્શાવી રહ્યા છે, તેમની આ ટિપ્પણી તેમની માનસિકતા દર્શાવે છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકેની ટિપ્પણી કરી રહ્યા છે. એક સનદી અધિકારીને ન શોભે તેવા શબ્દો તેઓએ વાપરેલ છે. સરેઆમ કોડ ઓફ એથીક્સનો ભંગ કરેલ છે. તેથી તેઓની સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની જરૂરી છે. આપની પાસે સાઈબર ક્રાઈમ રોકવાનું સેલ છે અને જે કાર્યરત છે. “જરૂરત તો વિદેશ સે ઔરત લાને કી ભી નહીં થી પર રાજીવ ગાંધી લેકે આયે ના ?’’ આવા મેસેજ તેમણે જાતે લખી જાતે જ પોતાના ગ્રુપમાં મૂકીને તેને સર્ક્યુલેટ કરેલ છે, તેઓ આઈએએસની ડિગ્રી ધરાવતા અધિકારી છે, તેમને શું ખરૂ, શું ખોટું તેમનું જ્ઞાન છે, તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેની ફરજ પણ બજાવે છે તેમ છતાં તેઓ કોંગ્રેસના કટ્ટર વિરોધી હોય અને ભારતીય જનતા પાર્ટીના કટ્ટર સમર્થક હોય તેવી રીતે ઈરાદાપૂર્વક માજી વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિષ્ઠાને ઈરાદાપૂર્વક ઝાખપ લગાડવા મેસેજ મૂકેલ છે. અમારી પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે તેથી પણ તેઓએ પોતાને સવાયા કાર્યકર બતાવવા માટે આ પ્રકારના મેસેજ દાખલ કરેલ છે. જો કલેક્ટર વિરૂદ્ધ કોઈપણ જાતની અમારા માંગ્યા અનુસારની કાર્યવાહી ન કરવામાં આવશે તો અમારે કલેક્ટર કચેરીનો અને કલેક્ટરનો ઘેરાવ કરવાની ફરજ પડશે.