(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે કહ્યું છે કે, પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં પક્ષની પ્રવૃત્તિઓ વેગવંતી બનાવી છે. તેઓને વિશ્વાસ છે કે, મોદીના ગૃહરાજ્યમાં ભાજપને હંફાવશે.
તેમણે કહ્યું કે લોકો મોદીની નિષ્ક્રિયતા અને ભાષણોથી ધરાઈ ગયા છે.
ગુજરાતમાં ઘણા બિનગુજરાતીઓ પર હુમલા થયા તેનું કારણ શું ?
રાજીવ સાતવે કહ્યું કે, આ ભાજપની ર૩ વર્ષની મુદ્દાઓથી લોકોને ભટકાવવાની નીતિ છે. આ ભાજપે રચેલા પ્રોપગન્ડા હતા. આ કાનૂન વ્યવસ્થાનો મુદ્દો છે. જે રાજ્ય સરકારની હકુમત હેઠળ આવે છે. જે નિષ્ફળ ગઈ. આ શાસનનું ગુજરાત મોડેલ છે.
આ મુદ્દા ચૂંટણીમાં કેવી રીતે અસર કરશે ?
દેશભરના લોકો હવે જાણી ગયા છે કે, ભાજપ કેવી રીતે શાસન કરે છે. ભાજપ તેના ભાગલાવાદી રાજકારણનો લાભ મેળવી રહ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં લોકો ખુલ્લેઆમ કોંગ્રેસને ટેકો કરે છે. જે તેની શાસન કરવાની નીતિ વિરૂદ્ધ છે. રાજ્યમાં કોઈ વિકાસ અને પ્રગતિ થઈ નથી.
કોંગ્રેસના ધારાસભ્ય સામે બિનગુજરાતીઓ સામે હિંસાનો આરોપ લાગ્યો હતો ?
આ ભાજપની કોંગ્રેસને બદનામ કરવાની નીતિ છે. રાજ્યમાં કાનૂન વ્યવસ્થાતંત્ર ભાજપ હસ્તક છે. કોઈ ગુનેગાર હોય તો તેઓ શા માટે રાહ જોઈ રહ્યા છે ?
ગુજરાત કોંગ્રેસમાં પણ આ મુદ્દે અજંપો છે ?
ગુજરાતમાં કેટલાક સંગઠનના મુદ્દા છે. જે ઉકેલી દેવાયા છે. ગુજરાત એક નમૂનાનું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ માટે લોકોનો અવાજ ઉઠ્યો છે. રાજ્યનું નેતૃત્વ લોકોને જોડવાનું કામ કરી રહી છે. ર૩ વર્ષ સત્તાથી દૂર રહ્યા બાદ અમે ગઈ ચૂંટણીમાં લોકોનો ઘણો સારો ટેકો મેળવ્યો. આ એક ટ્રેલર હતું. ર૦૧૯માં ખરી ફિલ્મ જોવા મળશે. લોકો ભાષણો અને નિષ્ક્રિયતાથી ધરાઈ ગયા છે.
તમે ગુજરાત સરકારની કામગીરીને કેવું મૂલવો છો ?
રાજ્યમાં નીતિઓ લકવાગ્રસ્ત છે. દરેક મોરચે રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. હવે ભાજપ નવા મુદ્દાઓ ઊભા કરે છે જેવા કે બિનગુજરાતીઓ પર હુમલા. જેના દ્વારા રાજ્યમાં બેકારી, પાણીની તંગી, ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાની કોશિશ છે.
હજુ ઘણા કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ? શું ભાજપ પુનઃ આવી રહ્યો છે ?
કોંગ્રેસના જે લોકોને લોકોએ હરાવ્યા તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.
રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના કોંગ્રેસના ઉમેદવાર હશે ?
હા, તેઓ પક્ષના ચહેરા છે. જો અમે બહુમતી લાવીએ તો તેઓ અમારા વડાપ્રધાન હશે. ર૦૧૯માં અમારી જીતનો અમને વિશ્વાસ છે. ભારતના લોકોની જીત છે. આગામી ચૂંટણી ભાજપ અને બંધારણ વચ્ચે હશે, તેમજ ભાજપ વિરૂદ્ધ બિનસાંપ્રદાયિકતા.
કોંગ્‌્રેસનો મુખ્ય લક્ષ્ય શું છે ? કોંગ્રેસને મજબૂત કરાવવાનો કે ભાજપને હરાવવાનો ?
અમે સરકાર બનાવીશું. ભાજપને હરાવવા પૂરતું નહીં, પરંતુ અમે સરકાર બનાવીશું.