અમદાવાદ, તા.પ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ તબક્કે રાજીવ સાતવે દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં કોઈ નારાજગી કે જૂથબંધી નથી. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તમામ ર૬ બેઠકો પર મજબૂતાઈથી લડત આપશે અને લોકસભાની ચૂંટણીના પરિણામો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ માટે ચોંકાવનારા હશે.
કોંગ્રેસમાં યુવા નેતાઓ અને સિનિયરો વચ્ચે ચાલતી ખેંચતાણનો નિવેડો લાવવા દિલ્હી હાઈકમાન્ડની સુચનાથી પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવ્યા છે. આજરોજ પ્રદેશ કોંગ્રેસની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સામે કેવા પ્રકારની રણનીતિ અપનાવશે તેની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતની તમામ ર૬ લોકસભા બેઠક માટે જ્ઞાતિગત સમીકરણો કઈ બેઠક માટે ક્યો ઉમેદવાર યોગ્ય રહેશે તેની ઔપચારિક ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસમાં ચાલતી નારાજગી અંગે તેમણે બોલવાનું ટાળ્યું હતું અને તેઓ કોગ્રેસની ખેંચતાણના બદલે ભાજપ વિશે બોલ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે,’નારાજગી કોંગ્રેસમાં નહી પણ ભાજપના નેતાઓમાં ચાલી રહી છે, રાજ્યનાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે નારાજગી છે, ભાજપના કાર્યકરો પણ ઘણા નારાજ છે’
પ્રભારી પદ છોડવા અંગે રાજીવ સાતવેેે ખુલાસો કર્યો હતો કે, ૨૦૨૨ પછી ગુજરાતની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પ્રભારીનું પદ છોડીશ,અત્રે ઉલ્લ્ખનીય છે કે ગુજરાતના નેતાઓથી નારાજ રાજીવ સાતવે પદ છોડવા તૈયાર હોવાના સમાચાર વહેતા થયા તે અંગે તેમણે આ ખુલાસો કર્યો હતો.
મુખ્યમંત્રીના નિવેદન અંગે કોંગ્રેસ પ્રભારી સાતવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,’ છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી સાચું બોલી રહ્યા છે. તેમણે પહેલા સ્વીકાર્યું કે મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર છે, હવે સ્વીકાર્યું કે પોલીસ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર છે. સાચું બોલવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું’
આ સાથે જ ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત કોંગ્રેસમાં સિનિયર-જુનિયર નેતાઓ વચ્ચેનો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો છે તેવા સમાચાર વહેતા થયા બાદ તાજેતરમાં જ દિનશા પટેલ સહિત ૧૫ જેટલા આગેવાનોએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસે બંધબારણે બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં એવો સુર પુરાવ્યો હતો કે, પ્રદેશ પ્રમુખ સિનિયરોને ગણકારતાં નથી, મનઘડત નિર્ણયો લે છે, જસદણની ચૂંટણી હોય કે પછી કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ હોય ત્યારે સિનિયરોની સલાહ લેવાતી નથી કે મિટિંગમાં તેમને બોલાવાતાં નથી. આ બેઠકનો પડઘો દિલ્હી સુધી પડતાં આ તમામની નારાજગી દૂર કરવા હાઈકમાન્ડે પ્રભારીને ગુજરાત દોડાવ્યા છે.