અમદાવાદ,તા.ર૮
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આંતરિક જૂથબંધી અને વિખવાદ વચ્ચે ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં તેમણે લોકસભા બેઠક માટે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને સસ્પેન્ડ કરવાની હઠ પકડતા પ્રભારીએ ખખડાવી નાખ્યા હતા.
કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે સોમવારે રાજીવ સાતવે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારી રણનીતિ પ્રમાણે અમે કોંગ્રેસને જીતાડવા આગળ વધીએ છીએ. રાજીવ સાતવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા અને કોંગ્રેસને જીતાડવાની દિશામાં અમારી રણનીતિ ચાલુ છે અને નિશ્ચિત રૂપથી સારા પરિણામો અમારા તરફ ચોકકસ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. સિનિયર નેતાઓના માર્ગદર્શનથી આગળ ચાલીએ છીએ. ભાજપની જેેમ માર્ગદર્શક મંડળમાં મુકીને અવગણના નથી કરતા આમ કોંગ્રેસ યોગ્ય ટ્રેક ઉપર ચાલીરહી છે. દરમ્યાન બેઠકમાં ધારાસભ્ય હિંમતસિંહે પક્ષ વિરોધી કામ કરનારને સસ્પેન્ડ કરવાની હઠ કરી હતી. પ્રભારીએ જૂની વાતો ભૂલી જવા માટે સુચન કર્યું હતું. અને હિંમતસિંહને ઠપકો આપ્યો હતો. સાતવે હિંમતસિંહને ચીમકી આપતા જણાવ્યું હતું કે તમારા આંતરિક વિવાદથી મારે કોઈ મતલબ નથી મારે લોકસભામાં પરિણામ જોઈએ. વિવાદ ખતમ કરી લોકસભાની બેઠકો માટે નામ આપવાની સલાહ આપી હતી. હજુ સુધી લોકસભાની બે બેઠકો માટેની પેનલ તૈયાર થઈ શકી નથી. મહત્વનું છે કે, ગુજરાતમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે અમદાવાદની લોકસભા બેઠક માટે પ્રભારી રાજીવ સાતવે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શહેર કોંગ્રેસમાં દાવેદારોને લઈને હજુ સુધી કોઈ ચર્ચા નથી થઈ. પ્રભારીએ દાવેદારોના નામની પેનલ માગી છે જો કે, જે ન મળતા ઉમેદવારોની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. દરમ્યાન બેઠકમાં એક ધારાસભ્યને ન બોલાવાતા રાજીવ સાતવે તેમને ફોન કરી બોલાવ્યા હતા.