(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ હોદ્દેદારોના વિસર્જન બાદ માત્ર પ્રમુખથી ચાલી રહેલી કોંગ્રેસના સંગઠનનું જાન્યુઆરી માસમાં નવસર્જન કરવામાં આવશે તેવા સંકેત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવે આપ્યા છે. જૂનું જમ્બો સભ્યોનું માળખું હતું. તેને વિખેરાયા બાદ કામગીરીનું મૂલ્યાંકન કરી માત્ર ૮૦ સભ્યોનું મર્યાદિત માળખું તૈયાર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હોદ્દા મળ્યા બાદ મોટા નેતા બની ગયા હોય તેમ કપડાને કરચલી પડવા દેતા નથી. હોદ્દાની ખુમારી મગજ પર ચઢી જતા સ્વભાવ પણ તુમાખીભર્યો થઈ જતો હોય છે. આથી નાના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે. તેની અસર શહેર કે પ્રદેશના વિવિધ કાર્યક્રમોમાં જોવા મળે છે. આ સમસ્યા નિવારવા સંગઠન પ્રભારી રાજીવ સાતવે નવું માળખું નાનું રાખવા પ્રદેશ પ્રમુખને આદેશ કર્યો હતો. જેના પરિણામે આજરોજ રાજીવ સાતવે સંગઠનનું નવું માળખું ૮૦ સભ્યોનું હશે તેવો ઈશારો કર્યો હતો. આ નવા માળખામાં ૮ ઉપપ્રમુખ, ૧૬ મહામંત્રી અને પ્રવકતા પ્રોટોકોલ મંત્રી હશે. ઉત્તરપ્રદેશની જેમ ગુજરાત કોંગ્રેસનું નવું માળખું તૈયાર કરાયું છે. આમ આગામી વર્ષ ર૦ર૦ની શરૂઆત સાથે જ ગુજરાત કોંગ્રેસનું નવસર્જન કરવાની વાતને કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવે લીલી ઝંડી આપતા નવા વર્ષમાં કોંગ્રેસના નવા કાર્યકરોને નવા હોદ્દેદારો મળશે.