(એજન્સી) નવી દિલ્હી, તા.૩
કોંગ્રેસે બુધવારે કહ્યું કે, પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. કોંગ્રેસે પ્રશ્ન પૂછ્યો કે ભાજપ ઝીણા વિશે આખરે શું વિચાર ધરાવે છે કારણ કે લાલકૃષ્ણ અડવાણી સહિતના ભાજપના નેતા ઝીણાને દેશભક્ત કહી ચૂક્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રાજીવ શુક્લાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા અંગે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. એમની પાર્ટીના માર્ગદર્શક અને એક સમયના સૌથી કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનમાં જઈને ઝીણાના મકબરા પર માથું ટેકવી ચૂક્યા છે અને તેમણે ઝીણાને દેશભક્ત પણ કહી ચૂક્યા છે. શુક્લાએ કહ્યું કે, ફક્ત અડવાણી જ નહીં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહે પણ ઝીણાને દેશભક્ત કહ્યા છે અને તેમના પુસ્તકમાં ઝીણા ભરપેટ વખાણ પણ કર્યા છે. સિંહ પણ પાકિસ્તાન જઈ ઝીણાના મકબરા પર માથું ટેકવી આવ્યા છે. ઉત્તરપ્રદેશના એક મંત્રી એસ.પી. મૌર્ય પણ ઝીણાને દેશભક્ત કહી ચૂક્યા છે. મૌર્યની ટિપ્પણી સાંસદ સતીશ ગૌતમ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિને લખવામાં આવે એ પત્રથી વિપરીત છે. જેમાં તેમણે યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠનના કાર્યાલયમાં લગાવેલા મોહમ્મદ અલી ઝીણાના એક ચિત્રને લઈને સ્પષ્ટીકરણ માંગ્યું છે. શુક્લાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી જો મોહમ્મદ અલી ઝીણાને દેશભક્ત માને છે તો પાર્ટીએ રાષ્ટ્રને સ્પષ્ટ કરવું જોઈએ કે ઝીણાને લઈને એમની શું નીતિઓ છે. શુક્લાએ કોંગ્રેસની નીતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે ઝીણાએ દેશના ભાગલા પડાવ્યા જે એક ઘાતક પરિણામ હતું. ઝીણાએ રાષ્ટ્રને વહેંચવું જોઈતું નહોતું. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ દેશને અખંડ રાખવા માગતા હતા પરંતુ ઝીણાએ ભાગલા પડાવી દીધા.