(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેસન્શનલ હોલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ૨૩૦૦ જેટલા શિક્ષિત યુવાનોને એપ્રેન્ટિસ કરાર પત્રો – રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ તબક્કે પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખાલી નારા આપ્યાં રોજગાર નહીં. ગુજરાતમાં બેરોજગારીના નામે રાજકરણ ચાલે છે. માત્ર પાંચ લાખ જ યુવકો બેરોજગાર તરીકે રજીસ્ટર્ડ થયેલા છે. જે પણ ક્યાંય નોકરી તો કરે જ છે.
રોજગાર પત્રો એનાયત કરાયા બાદ મુખ્યમંત્રીએ કરેલા ઉદ્‌બોધનમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ખાલી નારા આપ્યા રોજગાર નહીં. ગુજરાતમાં બેરોજગારીના નામે રાજકરણ ચાલે છે. કેરળમાં ૪૦ લાખ લોકો બેરોજગાર છે જેની સામે ગુજરાતમાં માત્ર પાંચ લાખ જ યુવકો બેરોજગાર તરીકે રજીસ્ટર્ડ થયેલા છે. જે પણ ક્યાંય નોકરી તો કરે જ છે. ગુજરાત તકોની ભૂમી છે. અહીં રાહુલ ગાંધીના અમેઠીથી પણ લોકો રોજગારી મેળવી રહ્યા છે. નહેરૂ કહેતા હતા કે, આરામ હરામ છે, પણ લોકો કામ માંગતા હતા. યુવાનો નોકરીની તક શોધવા ચપ્પલના તળિયા ઘસતા હતા. દુનિયામાં સૌથી યુવાનો ભારતમાં છે. જેથી પીએમ મોદીએ યુવાનો માટે જોબ સિકર નહીં જોબ ગિવર બને તે માટે સ્માર્ટ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા લાવ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ૧૦ વર્ષ સુધી સરકારી નોકરી પર પ્રતિબંધ હતો. જગ્યા ભરતા જ ન હોતા. અમારી સરકારે ખાલી જગ્યા ભરવાનું કામ કર્યું છે. એક લાખ યુવાનોની ભરતી કરી છે.