(એજન્સી) તા.૧૦
ભારતનું રાજકારણ દિન-પ્રતિદિન નિમ્ન સ્તરે ગગડી રહ્યું છે. કોંગ્રેસે એક વિચિત્ર રીતે ભાજપ પર પ્રહાર કર્યો હતો પરંતુ ભાજપ પણ તેનો જવાબ આપવામાં પાછળ રહી ન હતી. ૯ જુલાઈ સોમવારના રોજ કોંગ્રેસની સોશિયલ મીડિયા સેલ પ્રમુખ દિવ્યા સ્પંદનાએ ટ્‌વીટર પર બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની એક જૂની વીડિયો ક્લિપ શેર કરી હતી જેમાં તે કહેતી હતી કે તેને તેનો ‘વર’ મળી ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો જમાઈ મળી ગયો છે. દિવ્યા સ્પંદના આ હુમલાથી તરત જ પ્રતિક્રિયા આપતાં દિલ્હી ભાજપના પ્રવકતા તાજિન્દરસિંઘ બગ્ગાએ પણ એક જૂની વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. આ ક્લિપમાં એક મહિલા એવો દાવો કરી રહી હતી કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેની સાથે લગ્ન કર્યા છે. તાજીન્દરસિંઘ બગ્ગાએ રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું હતું કે સોનિયાજી તમારી વહુ મળી ગઈ છે. જેમ જેમ ર૦૧૯ની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણીઓ મર્યાદાની સીમાઓ વટાવી રહ્યા છે.