(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
દેશના જુદા જુદા ભાગના રાજકીય અને સામાજિક સંગઠનોએ જમ્મુથી શ્રીનગર સુધી કૂચ યોજવા આયોજન કર્યું છે. આ કૂચ જમ્મુથી ર૬મી નવેમ્બરે શરૂ થશે અને ૧લી ડિસેમ્બરે શ્રીનગર પહોંચશે. કૂચમાં જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની પુનઃ સ્થાપનાની માગણી કરવામાં આવશે. કૂચના આયોજકોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર બાબતે જે નિર્ણય લીધો છે એ બિનલોકશાહી છે. જો સરકારનું માનવું છે કે, એમનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના લોકોના હિત માટે છે તો એના માટે ત્યાંના લોકો સાથે મંત્રણા કરી હોત પણ કેન્દ્ર સરકારે જે રીતે પ્રતિબંધો મૂકી મૂળભૂત અધિકારો છીનવી નિર્ણય લીધો છે. એ તદ્દન ગેરવ્યાજબી છે. આ હકીકત એ રીતની છે કે તમે નાના બાળકને કડવી દવા આપો અને એમને કહો કે એ દવા તમારા હિતમાં છે તેમ છતાંય બાળકને તમે દવા પીધા પછી રડવાની પણ પરવાનગી નહીં આપો. લોકશાહીમાં આ રીતે નિર્ણયો નથી લેવાતા. કેન્દ્ર સરકાર નાગાઓ અને બોડો સાથે પણ એમના પ્રશ્નો ઉકેલવા વાટાઘાટો કરે છે તો પછી એમણે કાશ્મીરીઓ સાથે આ બાબતે કોઈ ચર્ચા કેમ નથી કરી. અલગતાવાદીઓ અથવા ત્રાસવાદીઓ જે ફકત સેંકડો જ છે એમના કાશ્મીરને તમે સજા નહીં આપી શકો. વધુમાં સ્થાનિક રાજકીય પક્ષોને પણ કોઈ પ્રવૃત્તિ કરવા પરવાનગી નથી આપી. કોર્ટો પણ જમ્મુ-કાશ્મીરમાં મુલાકાત લેવા વિપક્ષોને શરતો સાથે પરવાનગી આપે છે કે તમે ત્યાં રાજકીય પ્રવૃત્તિ નહીં કરો શકો. પણ ભાજપાને બધા પ્રકારની છૂટ છે. શું એ પોતાનો રાજકીય એજન્ડાનો પ્રચાર નથી કરતા. જે ફકત બે કોમોમાં ભાગલા જ પડાવે છે અને શાંતિને ભંગ કરવા પ્રોત્સાહન આપે છે. શું એક દેશ, એક બંધારણ, એક ભાષાનું આ જ સંદેશ છે કે ફકત એક જ રાજકીય પક્ષ દેશમાં સારો છે અને એ જ કામ કરે છે. અમારો કૂચ યોજવાનો ઉદ્દેશ્ય ભાજપને પડકારવાનો છે જે લોકશાહીને ખતમ કરી રહ્યું છે. અમારી માગણી લોકશાહીની પુનઃ સ્થાપનાની છે. એમણે લોકોને અપીલ કરી છે કે, કૂચના ખર્ચ માટે દાન આપે. એમણે કહ્યું છે કે, લોકો જે એન્ડ કે ફોરમ ફોર પીસ એન્ડ ટેરિટોરિયલ ઈન્ટીગ્રીટીના બેંક ખાતામાં પૈસા જમા કરાવી શકશે. જેનું એકાઉન્ટ નંબર ૦૪૦૬૦૪૦૧૦૦૦૦ર૦૯ર, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક લિ. જે.એ.કાઝમી, જનરલ સેક્રેટરી કાઝમીનો મોબાઈલ નંબર ૯૪૧૯૧૮ર૧૩૩ અને ૯૭૯૭૬૦૦૭૮૬ છે.