હાલ એવું કહેવાય છે કે, વિશ્વમાં રોહિંગ્યા મુસલમાન એક એવો લઘુમતી સમુદાય છે જેના પર સૌથી વધુ અત્યાચાર ગુજારાઈ રહ્યો છે. રોહિંગ્યા મુસલમાન ફકત ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક રાજકારણમાં એક મોટો મુદ્દો બની ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. મ્યાનમારમાં સદીઓથી રહેતાં આ રોહિંગ્યાઓને ત્યાંની નાગરિકતાથી વંચિત કરી તેમને રાજયવિહીન બનાવી દેવામાં આવ્યા. રોહિંગ્યા મુસ્લિમો પર થતાં અત્યાચાર અને નરસંહાર સામે વિશ્વ આંખ આડા કાન કરી રહ્યું છે. ન્યાયિક હત્યા, બળાત્કાર અને આગચંપી જેવા ગુનાઓ વિશ્વની નજર સમક્ષ થઈ રહ્યા હોવા છતાં તેની ઉપેક્ષા થઈ રહી છે. ઓગસ્ટમાં હિંસાની શરૂઆત થઈ એ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે આશરે ૧,ર૦,૦૦૦ રોહિંગ્યાઓએ આંતરિક સ્થળાંતર કર્યું હતું. મ્યાનમારના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં હિંસા ભડકી ત્યારથી પ લાખથી પણ વધુ રોહિંગ્યાઓએ બાંગ્લાદેશ તરફ હિજરત કરી છે. જો પ૦ મુસ્લિમ રાષ્ટ્રો એક થાય અને દરેક રાષ્ટ્ર માત્ર ૧૦ હજાર રોહિંગ્યાઓનો સ્વીકાર કરવાનો નિર્ણય લે તો તેઓ માનપૂર્વક જીવન જીવી શકશે અને તેમણે પ્રાણીઓની જેમ ભટકવું નહીં પડે. પરંતુ દુર્ભાગ્યપણે વિશ્વને અંક, ચિહ્ન અને બીજ ગણિત આપનાર મુસ્લિમો જ વિભાજનનું ગણિત ભૂલી ગયા છે. રોહિંગ્યા બાળની ભૂખ, પીડા અને ક્ષીણ શરીર રાજકીય વિશ્વની આંખ ઉઘાડવામાં નિષ્ફળ રહ્યા છે પરંતુ આપણે તેમની આંખ ઉઘાડવાના પ્રયાસો ચોક્કસપણે કરવા જોઈએ કારણ કે આપણે રાજકારણીઓની જેમ રાજકારણની ચમકદમક વચ્ચે માનવતાને નેવે ના મૂકી શકીએ. જાણે કે, આંખે મોતિયો આવ્યો હોય અને કશું દેખાતું ના હોય તેવો ડોળ કરતાં રાજકારણીઓને ઊંઘમાંથી જગાડવાનો સમય કયારનોય પાકી ગયો છે. રોહિંગ્યાઓની સ્થિતિની આપણે કદાચ કલ્પના પણ ના કરી શકીએ પરંતુ તેઓ કેવી હાડમારી વચ્ચે જીવન ગાળી રહ્યા છે તેનું વર્ણન આ તસવીરો કરી રહી છે. બાંગ્લાદેશના કોકસ બજાર ખાતે મદદની રાહ જોઈ રહેલા રોહિંગ્યા શરણાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. તે સમયની આ તસવીર છે. તસવીરમાં જોઈ શકાય છે કે બાળકો અને વૃદ્ધો પણ અત્યાચારનો ભોગ બન્યા છે.
પાંંચ બાળકોની માતા એવી ૩પ વર્ષીય મહિલાનું બીમારીના કારણે મોત થયું હતું. તેના અંતિમસંસ્કાર સમયે તેના સંબંધીઓ આક્રંદ કરી રહ્યા હતા, તે સમયની પ્રથમ તસવીર છે.
બીજી તસવીર બાંગ્લાદેશના કોક્સ બજાર નજીક તેકનફ ખાતે આવેલા શાહ પોરીર દ્વીપના દરિયાકિનારે રાત્રિના અંધકારમાં સેંકડો રોહિંગ્યા મુસલમાનો હિજરત કરીને બાંગ્લાદેશ આવ્યા હતા. તસવીરમાં જોઈ શકાય છે કે, એક યુવક વૃદ્ધ મહિલાને ઊંચકીને હોડીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ તસવીર રોહિંગ્યાઓની પરિસ્થિતિનું સ્પષ્ટ વર્ણન કરે છે.