(એજન્સી) તા.૧
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે એસસી-એસટી એક્ટને લઈને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દલિતો વિરૂદ્ધ નોંધવામાં આવેલા કેસ પાછા ખેંચી લીધા છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસની કમલનાથ સરકારે બસપા અધ્યક્ષ માયાવતીના દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે.
માયાવતીએ કહ્યું હતું કે, જો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં દલિતો પર નોંધવામાં આવેલા કેસો પરત ના લેવામાં આવ્યા તો કોંગ્રેસને આપેલા સમર્થનની લઈને વિચાર કરવામાં આવશે. આ ધમકી કામ કરી ગઈ છે. માયાવતીએ આપેલી આ ધમકીના બીજા જ દિવસે કોંગ્રેસ સરકરે ભાજપ સરકાર દરમિયાન દલિતો પર નોંધવામાં આવેલા કેસ પરત લેવાની જાહેરાત કરી દીધી છે.
માત્ર ભારત બંધ દરમિયાન દલિતો પર નોંધવામાં આવેલા કેસો જ નહીં પણ ગત ૧પ વર્ષમાં આ પ્રકારના તમામ કેસો પણ પરત લેવાનો કોંગ્રેસે નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯૮૯ એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારા બાદ દેશભરમાં દલિતોએ ૨ એપ્રિલ, ૨૦૧૮ના રોજ બોલાવેલા ભારત બંધ દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. જેમાં અનેક દલિતો પર કેસ દાખલ કરવામાં આવ્યા હતાં.
આ મામલે મધ્યપ્રદેશના કાયદા મંત્રી પી.પી.શર્માએ કહ્યું હતું કે, એસસી/એસટી એક્ટ ૧૯૮૯ને લઈને ૨ એપ્રિલ, ૨૦૧૮ રોજ થયેલા બંધ દરમિયાન દાખલ કરવામાં આવેલા કેસોની સાથો સાથ આ પ્રકારના કેસો કે જે છેલ્લા ૧પ વર્ષોમાં ભાજપ દ્વારા નોંધવામાં આવ્યા હતા તે તમામ પાછા લેવામાં આવશે. અગાઉ ગઈ કાલે જ બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ભારત બંધ દરમિયાન ઉત્તરપ્રદેશ સહિત ભાજપ શાસિત રાજ્યોમાં જાતિગત અને રાજકીય દ્વેષની ભાવનાને અંતર્ગત કાર્યવાહી કરી લોકોને ફસાવવામાં આવ્યા હતા. હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની રચાયેલી સરકાર આ કેસો પરત ખેંચે. જો આ માગણી પર અમલ ના કરવામાં આવ્યો તો કોંગ્રેસને બહારથી આપવામાં આવેલા સમર્થન બાબતે પુનર્વિચાર કરવામાં આવશે. બીએસપીની આ ધમકી બાદ કોંગ્રેસ પર દબાણ સર્જાયું હતું.