(એજન્સી)
શ્રીનગર, નવી દિલ્હી, તા. ૧૪
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે સીઆરપીએફના કાફલા પર કરાયેલા ત્રાસવાદી હુમલાને દેશના ઘણા રાજકારણીઓએ પોતાના પક્ષોની મર્યાદાઓ છોડીને વખોડી કાઢ્યું છે. રાજકારણીઓ દ્વારા આ ત્રાસવાદી હુમલા અંગે શોક વ્યક્ત કર્યો છે. સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલામાં ઓછામાં ઓછા ૪૦ જવાન શહીદ થયા છે અને અન્ય ૪૦થી વધુ ઘવાયા છે, જે પૈકી ૧૩ની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. ઘવાયેલાઓને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં લઇજવામાં આવ્યા છે. પુલવામાના આવંતીપોરામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક ટિ્‌વટમાં પુલવામાના ત્રાસવાદી હુમલા અંગે ભારે દુઃખ વ્યક્ત કરીને ત્રાસવાદી હુમલાને ‘કાયરતાપૂર્ણ હુમલો’ ગણાવ્યો છે અને જણાવ્યું કે હું આ હુમલાથી ભારે પરેશાન છું અને શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ છે તેમ જ ઘવાયેલા જવાનોના વહેલા સજા થવાની પ્રાર્થના કરૂં છું.જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના છેલ્લા પાંચ વર્ષમાં આ ૧૮મો મોટો ત્રાસવાદી હુમલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને તેમણે પૂૂછ્યું કે ૫૬ ઇંચની છાતી ક્યારે જવાબ આપશે ?
પુલવામાના ત્રાસવાદી હુમલાને સર્વપ્રથમ વખોડનારાઓમાં જમ્મુ અને કાશ્મીરના રાજકારણીઓમાં મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહનો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું કે આ બિહામણા ત્રાસવાદી હુમલાને વખોડવા માટે કોઇ શબ્દો પુરતા નથી. મહેબુબાએ એવું ટિ્‌વટ કર્યું કે આ પાગલપણનો અંત આવે તે પહેલા હજી વધુ કેટલા જીવ જશે ? જ્યારે ઓમર અબ્દુલ્લાહે એવું ટિ્‌વટ કર્યું કે સખતમાં સખત રીતે હું આ હુમલો વખોડી કાઢું છું. ઘવાયેલઓ માટે હું પ્રાર્થના કરૂં છું અને શહીદ થયેલા જવાનોના નિરાધાર બનેલા પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ટિ્‌વટ કરીને પુલવામાના ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને જણાવ્યું કે જવાનોની શહાદતથી દુઃખ થયું છે. અમે અમારા બહાદુર જવાનોને સેલ્યુટ કરીએ છીએ. ઘવાયેલા જવાનો વહેલા સાજા થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દુઃખની આ પળમાં દેશે સંગઠિત રહેવું જોઇએ. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, રાજસ્થાનના તેમના સમકક્ષ અશોક ગેહલોત અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ત્રાસવાદી હુમલો વખોડી કાઢીને દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે જણાવ્યું કે આ હુમલો સરહદ પારથી પાકિસ્તાનથી દોરવણી કરવાામાં આવી હોવાનું લાગે છે.