(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
પ્રિયંકા ગાંધી વાડરાના સક્રિય રાજકારણમાં જોડાવા અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી માત્ર ભાજપ અને અન્ય રાજકીય પક્ષો નહીં પરંતુ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. પ્રિયંકા ગાંધી વાડરાની સક્રિય રાજકારણમાં એન્ટ્રીને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ઉત્તર પ્રદેશની મુલાકાતના સમય સાથે તેને મેચ કરવામાં આવી છે. આ ઘટનાક્રમથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ અજાણ હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ હાઇ-વોલ્ટેજ નિર્ણય એટલી સતર્કતાથી લીધો કે તેમના નિકટના લોકોને પણ આની ખબર પડવા દીધી નહીં. પ્રત્યેક ડગલે રાખવામાં આવેલી સીક્રેસી આ નિર્ણયનું મહત્વ બતાવે છે. કોંગ્રેસના મહામંત્રી ગુલામનબી આઝાદ લોકસભામાં ૮૦ સાંસદો મોકલનાર રાજ્ય ઉત્તર પ્રદેશમાં બુધવાર સુધી કોંગ્રેસની બાબતો સંભાળતા હતા અને તેમણે ગુરૂવારે લખનઉમાં પક્ષના હોદ્દેદારોની પસંદગી કરવા માટે એક બેઠક પણ બોલાવી હતી. આઝાદનો શિડ્યુલ અત્યંત વ્યસ્ત હોવા છતાં તેમને એ વાતનો જરાય પણ અંદોજો ન હતો કે થોડાક જ કલાકો બાદ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સ્થાને પ્રભારી બનાવી દેવામાં આવશે. આઝાદે લખનઉ જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ બૂક કરાવી લીધી હતી. આઝાદને હવે હરિયાણાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
દુબઇમાં ૧૨મી જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ પોતાના પ્રવચન દરમિયાન થોડાક સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ આશ્ચર્યચકિત કરનારી જાહેરાત કરવામાં આવશે, જોકે, તેમણે આ આશ્ચર્યચકિત કરનારી જાહેરાતની કોઇ વિગતો આપી ન હતી. રાહુલ ગાંધી રાજકારણમાં પ્રિયંકાની એન્ટ્રી વિશે ચર્ચા કરવા માટે તેમનાં બહેન પ્રિયંકાને મળવા માટે દુબઇથી અમેરિકા ગયા હોવાનું કહેવામાં આવે છે. રાજકારણમાં પ્રિયંકાની એન્ટ્રીથી દેશમાં રાજકારણનો પ્રકાર બદલાઇ જશે. યુપીના ઇન્ચાર્જ અને એઆઇસીસીના મહામંત્રી પ્રકાશ જોષીએ જણાવ્યું કે રાજકારણમાં પ્રિયંકાના પ્રવેશથી ભાજપનો ભ્રમ ભાંગી જશે અને હવેથી ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ જશે. પ્રિયંકા કોમવાદી અને જાતિવાદી બળો સામે લડવાના કોંગ્રેસના સંકલ્પમાં પક્ષને મજબૂત કરશે.