(એજન્સી) અમેઠી, તા. ૩
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની શુક્રવારે એક જ દિવસે રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર અમેઠીની મુલાકાતે આવશે ત્યારે અહીં રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. ગત લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાધી સામે અહીં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આગામી ચૂંટણીઓમાં ફરી ગાંધી પરિવાર સામે બાથ ભીડવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે.
રાહુલ ગાંધી અમેઠીમાં બે દિવસ રોકાશે જેમાં તેઓ પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યારે કાપડ મંત્રી ઈરાની અહીં એક દિવસ રોકાશે જેમાં તેઓ એક બ્લેન્કેડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે, બંને નેતાઓ અહીં હોવાને કારણે આગામી ચૂંટણીઓ પહેલાની તૈયારીના ભાગરૂપે અમેઠી રાજકીય અખાડો બની ગયું છે. બંને નેતાઓ આ પહેલા પણ અમેઠીના વિકાસ મુદ્દે સામ-સામે આવી ચૂક્યા છે જેમાં સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે, ગાંધી પરિવાર દશકોથી લોકસભા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતું હોવા છતાં આ વિસ્તારને ઘણું સહન કરવું પડી રહ્યું છે.