(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દા અંગે મધ્યસ્થતા કરવાનો તેમને અનુરોધ કર્યો હોવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચોંકાવનારા દાવાથી મંગળવારે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે જ્યારે સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિને આવી કોઇ વિનંતી કરવામાં આવી નથી અને બધા જ મુદ્દાઓ ઇસ્લામાબાદ સાથે દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે. આ મુદ્દા અંગે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો સર્જાયો અને વિપક્ષે ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે પીએમ મોદીના નિવેદનની માગણી કરી છે. મોદી પોતાના નિવેદનમાં એવું પણ જણાવે કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે અને આ મુદ્દા અંગે કોઇ ત્રાહિત પક્ષ હસ્તક્ષેપ કરી શકે નહીં. વિપક્ષ દ્વારા સરકાર સામે પ્રહારો કરવામાં આવતા વિદેશ પ્રધાન એસ.જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે મોદીએ ટ્રમ્પને ક્યારેય પણ આવી કોઇ વિનંતી કરી નથી. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સાથેના બધા જ પડતર મુદ્દાઓ અંગે માત્ર દ્વિપક્ષીય રીતે ચર્ચા કરી શકાય છે અને ચર્ચા કે મંત્રણા કરવા માટે પાકિસ્તાને પહેલા સરહદ પારના ત્રાસવાદનો અંત આણવો પડશે. તેમણે એવું પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા સિમલા અને લાહોર કરારો બધા જ મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવા માટે આધારા પુરા પાડે છે.