રાજકોટ, તા.૨૬
ચોથી ઓક્ટોબરથી રાજકોટમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. એસસીએની યાદીમાં જણાવાયું હતું કે વેસ્ટ ઇન્ડીઝ અને ભારતની ટીમ પહેલી ઓક્ટોબરે રાજકોટ આવી પહોંચશે. તેઓ બીજી અને ત્રીજીએ નેટ પ્રેક્ટીસ કરશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ વડોદરાથી બાય રોડ રાજકોટ આવશે અને ભારતની ટીમના ખેલાડીઓ સીધા અહીં જ એકત્રિત થશે. આંતરરાષ્ટ્રીય મેચને લીધે રાજકોટના ક્રિકેટ રસિયાઓમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પહેલા રાજકોટમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. તે ઇન્ગ્લેન્ડ અને ભારત વચ્ચે. ૯, નવેમ્બર ૨૦૧૬થી મેચ આરંભાઈ હતી. આગલે દિવસે જ નોટબંધી લાદવામાં આવેલી હોવાથી પ્રથમ બે દિવસ પ્રેક્ષકોનો ધસારો ખૂબ ઓછો રહ્યો હતો.