અમદાવાદ, તા.૩૦
રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રીએ સીએમ રૂપાણીની જાણ બહાર શાળા-કોલેજોમાં નવરાત્રીના વેકેશનની જાહેરાત તો કરી દીધી. પરંતુ સીએમના હોમટાઉન રાજકોટમાં જ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિએશનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે અમારો વિરોઘ છે, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે. જો શાળાઓમાં નવરાત્રીનું વેકેશન રદ કરવામાં નહીં આવે તો રાજકોટ જિલ્લાની ૪૦૦થી વધુ ખાનગી શાળાઓ નવરાત્રી દરમિયાન શિક્ષણ કાર્ય ચાલુ રાખીશું. નવરાત્રીમાં રજા રહેતા વિદ્યાર્થીઓનું ભણતર બગડશે. શાળાઓમાં નવરાત્રી પહેલા પરીક્ષા લેવાતી હતી અને ત્યારબાદ ભણાવવામાં આવતું હતું. જોકે નવરાત્રીની રજાનાં ૧૫ દિવસ બાદ તુરંત દિવાળીની રજા આવતાં વિદ્યાર્થીઓનાં ભણતરમાં બ્રેક પડશે. જેનાથી અભ્યાસક્રમ બગડશે. જેથી વિદ્યાર્થીઓનાં હિતમાં શાળાઓમાં નવરાત્રીનું વેકેશન રદ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સમક્ષ રજૂઆત કરવામાં આવશે. નોંધનીય છે કે, એક ખાનગી વેબસાઈટે નવરાત્રીમાં વેકેશન મામલે સર્વે કર્યો હતો. જેમાં પ૬ ટકા લોકોએ વેકેશન યોગ્ય નથી તેમ જણાવ્યું હતું તો કેટલાક લોકોએ આ વેકેશન મુદ્દે સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરી હતી કે સરકાર પાસે ફી ઘટાડવાની વાત થતી હતી ત્યાં સરકારે ભણવાના દિવસો જ ઘટાડી દીધા છે. તો એક કોમેન્ટ તો એવી હતી કે ગરબા રાત્રે ૧ર વાગ્યા સુધી જ રમવાના હોય છે તો વેકેશનની કોઈ જરૂર જ નથી. લોકસભા ચૂંટણીનું વર્ષ છે. એટલે આવા ખોટા પ્રોત્સાહન યોગ્ય ના કહેવાય.