(સંવાદદાતા દ્વારા) રાજકોટ, તા.૨૭
રાજકોટ શહેર ક્રાઈમ નગરી બન્યું હોય તેમ ત્રણ દિવસમાં જ ફાયરિંગની બીજી ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયેલો છે. રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપી હિતેશ કોળીએ અબ્દુલ માજોઠી પર ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, હિતેશ કોળીએ રૂપિયાની લેતીદેતી મુદ્દે અબ્દુલ નામના શખ્સ પર ફાયરિંગ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના ગંજીવાડાના મહાકાળી ચોકમાં રહેતા રિક્ષાચાલક અબ્દુલ સુલેમાનભાઇ માજોઠીના મકાન પાસે સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલો હિતેશ કોળી નામનો શખ્સ તેના ત્રણ સાગરીતો સાથે કારમાં આવ્યો હતો. અને અબ્દુલ માજોઠી પર એક પછી એક ચાર રાઉન્ડ ફાયરીંગ કરી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં તુરંત જ થોરાળા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. પોલીસની તપાસમાં એવું ખૂલ્યું હતું કે, અબ્દુલ માજોઠી નામનો શખ્સ હિતેષ પાસે પાંચ વર્ષથી રૂપિયા માગતો હોવાથી અવારનવાર ઉઘરાણી કરતો હતો. આ ઉઘરાણીના કારણે ઉશ્કેરાઈને હિતેશ કોળીએ તેના સાગરીતો સાથે કારમાં અબ્દુલના ઘરે પહોંચ્યો હતો. અને ચાર રાઉન્ડ ગોળીબાર કરી નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા નાકાબંધી કરી છે.