અમદાવાદ, તા.૧૭
ગુજરાત એટીએસના અધિકારીઓએ આજે એક મહત્ત્વની સફળતામાં દાઉદના સાગરિત એવા આરોપી ધર્મેન્દ્ર સજનાનીને ઝડપી લીધો હતો. આરોપી ધર્મેન્દ્ર સજનાનીની રાજકોટના જેતપુરના ફાયરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સજનાની ડોન દાઉદના ભાઇ અનીસ ઇબ્રાહીમ સાથે સંકળાયેલો હતો અને દુબઇથી મુંબઇ સારવાર કરાવવા આવ્યો હતો. ગુજરાત એટીએસના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. દાઉદ ગેંગના સાગરિત અને તેના ભાઇ અનીસ ઇબ્રાહીમ સાથે ઘરોબો ધરાવતાં આરોપી ધર્મેન્દ્ર સજનાનીનું નામ ૨૦૦૦ના વર્ષમાં રાજકોટના જેતપુરમાં કરાયેલા ફાયરિંગ અને હત્યાની સોપારી આપવાના પ્રકરણમાં ખૂલ્યું હતું. છેલ્લા ઘણા સમયથી એટીએસ આરોપીની શોધખોળ કરી રહી હતી. દરમિયાન એટીએસને ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા કે, દાઉદનો સાગરિત આરોપી ધર્મેન્દ્ર સજનાની દુબઇથી મુંબઇ ખાતે સારવાર કરાવવા માટે આવ્યો છે. જેથી એટીએસના અધિકારીઓની એક ટીમ ભારે ગુપ્તતા સાથે મુંબઇ પહોંચી હતી અને સિક્રેટ ઓપરેશનના ભાગરૂપે આરોપી ધર્મેન્દ્ર સજનાનીને આબાદ ઝડપી લીધો હતો. એટીએસ હવે જેતપુર ફાયરિંગ કેસ અને આ સિવાય આરોપીની અન્ય કોઇ કેસમાં સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસનો દોર ચલાવશે.
Recent Comments