Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે માટે બુકિંગ ફૂલ, ઊંચા ભાવે ટિકિટ ખરીદવી પડશે

રાજકોટ,તા.૨
આગામી ૧૭મી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાશે. આ મેચ માટે ગઇકાલથી જ ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે જ ઓનલાઈન બુકિંગ મારફતે ૫૦૦ રૂપિયા અને ૮૦૦ રૂપિયાની ટિકિટનું બુકિંગ ફૂલ થઇ ગયું છે.
રાજકોટના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આ ઘટના બની છે, જ્યારે કોઈ મેચની ટિકિટ માટેનું ઓનલાઈન બુકિંગ શરૂ થયાની ગણતરીની કલાકોમાં જ ફૂલ થઈ ગયું હોય. ઓછા ભાવની ટિકિટોનું બુકિંગ ફૂલ થઈ જતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોમાં હાલ ચિંતા પ્રવર્તી રહી છે.૫૦૦ અને ૮૦૦ રૂપિયાની ટિકિટનું બુકિંગ ગણતરીની કલાકોમાં જ ફૂલ થઈ જતા હવે લોકોએ ક્રિકેટ મેચ જોવા માટે ઊંચા ભાવની ટિકિટ ખરીદવી પડશે. હાલ ૧૫૦૦ રૂપિયા, ૧૮૦૦ રૂપિયા, ૨૫૦૦ રૂપિયા, ૬૦૦૦ રૂપિયા અને ૧૦,૦૦૦ રૂપિયાવાળી ટિકિટ જ ઓનલાઇન બુક થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી ૧૭મી જાન્યુઆરીના રોજ આયોજીત વન-ડે મેચની ટિકિટ આઉટલેટ પરથી ૯મી જાન્યુઆરીથી લોકો મેળવી શકશે. પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક એવી થઈ છે કે લોકો આઉટલેટ પરથી તો ઠીક ઓનલાઇન પણ બુકિંગ કરાવી શકશે નહીં.