(એજન્સી) લંડન, તા.૩૧
બ્રિટનની એક ચેનલ દિવંગત રાજકુમારી ડાયના પર એક નવી ડોક્યુમેન્ટ્રી રજૂ કરવા જઈ રહી છે. તેના માટે એ વીડિયો ટેપનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ડાયનાએ તેના લગ્નજીવનની સમસ્યાઓ અને શાહી પરિવાર સાથેના તેના તણાવગ્રસ્ત સંબંધોની વાત કરી હતી. આ ડોક્યુમેન્ટ્રી એવા સમયમાં દર્શાવવામાં આવી રહી છે, કે જ્યારે ડાયનાના મૃત્યુને ૨૦ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. નવા વીડિયો દ્વારા એ વાત સામે આવી છે કે તે પોતાના એક બોડીગાર્ડને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેની સાથે ભાગી જવા માંગતી હતી.
રાજકુમારી ડાયનાએ આ ટેપ ૧૯૯૨-૯૩માં પીટર સેટલરનની સાથે કિંગસ્ટન પેલેસમાં રેકોર્ડ કરી હતી. ડાયનાએ સ્વીકાર કર્યો કે તે પોતાના બોડીગાર્ડ મૈનકીને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેમણે તેમના પતિ ચાર્લ્સના કૈમિલા પાર્કર બોલ્સની સાથેના પ્રેમ પ્રસંગનો પણ ખુલાસો કર્યો. ડાયનાએ કહ્યું, “જ્યારે હું ૨૪ કે ૨૫ વર્ષની હતી તો કોઈ એવા વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી કે જે આ જ વાતાવરણમાં કામ કરતો હતો. હું બધું જ છોડવા…સાથે જવા અને રહેવાને લઈને ખૂબ જ ખુશ હતી. તે (બૈરી) કહેતો હતો કે આ સારો વિચાર છે.”
તેમણે કહ્યું કે, “મારે એક એવા વ્યક્તિની જરૂર હતી જે મને એવું કહે કે હું સાચી છું. મારે ક્યારેય આગની સાથે નહોતું રમવું જોઈતું અને મેં આવું કર્યું અને હું બળી ગઈ.” ડાયનાએ એ વાતનો ઈન્કાર કર્યો કે બોડીગાર્ડની સાથે તેમને શારીરિક સંબંધ હતા. બૈરીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું અને આ મારા માટે મારી જિંદગીનો સૌથી મોટો આઘાત હતો. ડોક્યુમેન્ટ્રીમાં તે જણાવે છે કે, પોતાના લગ્નજીવનની સમસ્યાને લઈને જ્યારે તેમણે મહારાણી એલિઝાબેથ દ્વિતીય પાસે સલાહ માંગી તો તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “મને નથી ખબર કે તારે શું કરવું જોઈએ.” આ ડોક્યુમેન્ટ્રીમાં ડાયનાના કેટલાક વીડિયો પણ દર્શાવવામાં આવશે.