(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂુમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષની વ્યૂહરચના અને લોકસભાની આગામી ચૂંટણીઓ સહિત ભાજપ સાથે સંબંધિત મહત્વના વિભિન્ન મુદ્દાઓ અંગે ટિપ્પણીઓ કરી છે. રાજનાથસિંહે એવો સ્વીકાર કર્યો છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર શાસન વિરોધી સૂરનો સામનો કરી રહી છે. જોકે, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષને વિજય હાંસલ થશે. મહાગઠબંધન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ફરી સત્તામાં આવવા માટે મુશ્કેલીઓ ઉભી કરશે કે કેમ ? એમ પૂછવામાં આવતા રાજનાથસિંહે એવો દાવો કર્યો કે કોઇ પણ ‘ખિચડી’ સરકાર ઇચ્છતું નથી અને તેથી ભાજપ સામે મહાગઠબંધનની લોકસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપના પરફોર્મન્સ પર કોઇ અસર થશે નહીં, પક્ષને તેનાથી કોઇ હાનિ પહોંચશે નહીેં પરંતુ તેમણે એવો સ્વીકાર પણ કર્યો કે જો ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધન કરવામાં આવશે તો, ભાજપ ૧૫-૨૦ બેઠક ગુમાવી શકે છે.જોકે, ૧૫-૨૦ બેઠક ગુમાવાથી ભાજપને ભારે ફટકો પડશે નહીં. રાજ્યમાં ભાજપની ૭૩ સીટમાંથી ૧૦-૧૫-૨૦ સીટ ઘટી શકે છે. રાફેલ વિવાદ અંગે પીએમ મોદીના મૌૈન અંગે કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે વડાપ્રધાને જવાબ આપવો જોઇએ.