(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
અમારી સરકારે ભાગેડુ આર્થિક અપરાધી બિલ-ર૦૧૮ પસાર કર્યું છે. એમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક મેહુલ ચોક્સીના ભારતીય નાગરિકત્વ છોડી દેવા પર પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે. અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના ૧૩૦૦૦ કરોડથી પણ વધુ રૂપિયાના કૌભાંડમાં મુખ્ય આરોપીમાંના એક મેહુલ ચોક્સીએ તેમનું ભારતીય પાસપોર્ટ એન્ટિગુઆ હાઈકમિશનમાં જમા કરાવી દીધું છે. ભારતની નાગરિકતા છોડવા ચોક્સીએ ૧૭૭ અમેરિકી ડોલરનો ડ્રાફ્ટ પણ જમા કરાવ્યો છે. ચોક્સીના ભારતનું નાગરિકત્વ ત્યજવા પર કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, અમારી સરકારે ભાગેડુ આર્થિક અપરાધી બિલ-ર૦૧૮ પાસ કર્યું છે. આ બિલ હેઠળ જે લોકો ભારતમાં કૌભાંડ કરીને વિદેશોમાં શરણ લઈ વસી ગયા છે. તેમને સ્વદેશ પરત લાવવામાં આવશે તેમ સિંહે જણાવ્યું હતું. રાજનાથ સિંહે ઉમેર્યું કે, આ બિલ હેઠળ ભાગેડુઓને સ્વદેશ પરત લાવવામાં થોડો સમય લાગશે, પરંતુ અમે ભાગેડુઓને પાછા લાવીશું. ચોક્સીએ વર્ષ ર૦૧૭માં એન્ટિગુઆનું નાગરિકત્વ મેળવી લીધુ હોવાની વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહમંત્રાલયે માહિતી આપી હતી.