રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભાજપના ભોપાલના સાંસદ અને માલેગાંવ બોંબ બ્લાસ્ટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકૂરના વિવાદી નિવેદનનો સંસદમાં ભારે પડઘો પડ્યો હતો. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આ મામલે સદનમાં ભારે હોબાળો મચાવીને ભાજપ પણ ગોડસે અંગે સાધ્વીની વિચારશરણીમાં જ માને છે એવા પ્રહારો કર્યા હતા. ભાજપે આ મુદ્દે માફી માંગવી જોઇએ એવી માંગણી પણ કરવામાં આવી હતી. ગુરુવારે લોકસભામાં ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસે હોબાળો મચાવ્યા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ભાજપના બચાવમાં કહ્યું કે, તેઓ અને તેમનો પક્ષ દેશભક્ત તરીકે નાથુરામ ગોડસેને દર્શાવવાની  નિંદા કરે છે, નાથુરામ ગોડસેને દેશભક્ત માનવાના વિચારની પણ પાર્ટી નિંદા કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાત્મા ગાંધી ભૂતકાળમાં અમારા માર્ગદર્શક હતા અને આજે પણ છે, તેમના વિચારો તેમના સિધ્ધાંતો અમારા માટે સુસંગત હતા અને આજે પણ સુસંગત છે.