(એજન્સી) તા.ર૬
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીર મુદ્દે ઉકેલ લાવવા હુર્રિયત અથવા પાકિસ્તાન સાથે વાત કરવા તૈયારી દર્શાવી છે સાથે જ પથ્થમારો કરનાર અંગેના સવાલ પર તેમણે પથ્થરમારો કરનારને બાળકો કહ્યા અને જણાવ્યું કે બાળક તો બાળક હોય છે. પ્રથમ દૃષ્ટિએ જ એમને આતંકવાદી ઠેરવી શકાય નહીં. ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ આતંકવાદને સમાપ્ત કરવા માંગે છે. એના લીધે એમને જે કંઈ પગલા ઉઠાવવા પડશે તે ઉઠાવશે. એમણે કહ્યું કે પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે અને પાડોશીઓ સાથે એમની નીતિ બીલકુલ સ્પષ્ટ છે. કાશ્મીરમાં પથ્થરમારા અંગેના સવાલનો રાજનાથસિંહે જવાબ આપતા કહ્યું કે કાશ્મીર અને કાશ્મીરીઓને દુશ્મન માનતા નથી. ત્યાંના લોકો પણ ભારતીય છે. જો કોઈ બાળક પથ્થરમારામાં સામેલ હોય તો આપણે એને આતંકવાદી ઠેરવી શકતા નથી. બની શકે કે એ ભટકી ગયો હો અને એને પાછા લાવવા આપણી જવાબદારી છે. કાશ્મીર મુદ્દે હુર્રિયત સાથે વાતચીત અંગે તેમણે જણાવ્યું કે કાશ્મીરમાંથી કોઈ પણ સંગઠન આવશે ભારત સરકાર એમની સાથે વાતચીત કરશે. ભારત સરકાર પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવા તૈયાર છે. જો કે હુર્રિયત તરફથી આ અંગે કોઈપણ પ્રકારની પહેલ ન થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.