(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન સતના જિલ્લાના અંદાજીત ૨૦ ગામોની વીજળી પર કાપ મુકવામાં આવ્યો હતો. આ ગામોમાં ૨૬ કલાક સુધી અંધારૂ કરી દેવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર, સતના જિલ્લામાં જ્યા ગૃહમંત્રી રાજનાથ સિંહનું હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું હતું, ત્યાંથી ફીડર લાઈન પસાર થઈ રહી હતી. જેથી કોઈ દુર્ઘટના ન બને તે માટે વીજ કંપનીએ બંને ફીડર બંધ કરી દીધા હતા. જેના કારણે ૨૦ ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પહેલા સતના સહિતના અન્ય વિસ્તારમાં વિજળી પ્રદાન કરતી કંપનીએ શનિવારે જાહેરાત પ્રકાશિત કરી હતી, કે ૨૦ મેના સાંજે ૪ વાગ્યાથી ૨૧ મે સાંજે ૬ વાગ્યા સુધી વિજળી કાપ મુકવામાં આવશે.