(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
તમિલનાડુમાં ચૂંટણી પૂર્વે જાણીતા તમિલ ફિલ્મ અભિનેતાઓ રજનિકાંત અને કમલ હાસન સાથે આવતા સત્તાધારી એઆઈએડીએમકેએ તેને બિલાડી અને ઊંદર સાથે આવવાની ઘટના સમાન ગણાવી હતી. એઆઈએડીએમકેના મુખપત્ર નમાથુ અમ્મામાં લખાયેલા એક લેખમાં કહેવાયું છે કે, એક તરફ રજનિકાંતની આધ્યાત્મિક રાજકારણની વાત કરે છે, તો કમલ હાસન રેશનાલીઝમ અને કોમ્યુનાલીઝમની વાતો કરે છે. બંનેની વિચારધારા વિરોધાભાસી છે, જે બિલાડી અને ઊંદર સાથે આવવા સમાન છે. મુખપત્રમાં કમલ હાસન પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, ફિલ્મ ક્ષેત્રે રજનિકાંત સામે હાર થતા હવે આ રાજકીય ક્ષેત્ર પણ પુનરાવર્તિત થશે. રજનિકાંતને સમય સબક શીખવશે કે, તેમણે હાસન સાથે રાજકીય ભાગીદારી કરી છે, જે ફળદાઈ નથી. તેમનું ગઠબંધન એઆઈએડીએમકેને કોઈ અસર નહીં કરે.