(એજન્સી) શ્રીનગર , તા.૨૪
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાના લગભગ ૨૦ દિવસ બાદ શનિવારે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગર પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના વિપક્ષના પ્રતિનિધિમંડળને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આયું છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની સાથે ગુલામનબી આઝાદ, એનસીપી નેતા માજિદ મેમણ, સીપીઆઇના નેતા ડી. રાજા ઉપરાંત શરદ યાદવ સહિત ઘણા દિગ્ગજ નેતા શ્રીનગર પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પર રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અહીં રાહુલ ગાંધીની કોઇ જરૂર નથી. જો અહીં આવીને તેઓ રાજનીતિ કરવા માગે છે તો આ ઠીક નથી. રાજ્યપાલે જણાવ્યું કે ‘તેમના સહયોગી સંસદમાં બોલી રહ્યા હતા ત્યારે સંસદમાં તેમની જરૂર હતી. અહીં આવીને તેઓ પરિસ્થિતિ બગાડવા માગે છે તો આ ઠીક નથી.’ તેમણે કહ્યું કે ‘મેં તેમને સદ્‌ભાવને નાતે બોલાવ્યા હતા પરંતુ તેમણે એના રાજનીતિ કરવાનું શરૂ કરી દીધું. આ લોકોનું અહીં આવવાનું સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત હતું. રાજકીય પક્ષોએ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને રાજનીતિથી દૂર રાખવા જોઇએ.’ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદને આ અગાઉ પણ બે વાર પરત મોકલી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શ્રીનગરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ શનિવારે શ્રીનગર ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના પ્રશાસને તેમને શ્રીનગરનો પ્રવાસ ટાળવાની અપીલ પણ કરી હતી. વિપક્ષના નેતાઓએ શ્રીનગર એરપોર્ટ પર પહોંચીને ભારે હંગામો કર્યો હતો. બાદમાં પ્રશાસને રાહુલ ગાંધી સહિત વિપક્ષના બધા નેતાઓને પરત દિલ્હી મોકલી દીધા છે.