(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
આજે આણંદ જિલ્લાનાં બોરસદ ખાતે ઠાકોર સેના દ્વારા રાજકારણમાં પ્રવેશવા માટે જનાદેશ મેળવવા સંમેલનનું આયોજન કર્યું હતું,જેમાં ઉપસ્થિત ઠાકોર સેનાનાં અલ્પેશ ઠાકોરએ ટુંક સમયમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનાં નિર્દેશ આપ્યા હતા.
બોરસદ શહેરમાં અશોક પાર્ક ખાતે ઓબીસી એકતા મંચનાં ઉપક્રમે યોજાયેલા જનાદેશ સંમેલનને સંબોધતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનાં અધ્યક્ષ અલ્પેશ ઠાકોરએ જણાવ્યું હતું કે આગામી તા.૯મી ઓકટોબરનાં રોજ ગાંધીનગર ખાતે પચાસ હજાર ઢોલ વગાડીને ઠાકોર સેનાનાં હજારો કાર્યકરોની ઉપસ્થિતીમાં કોઈ પણ રાજકીય પક્ષમાં વિધીવત રીતે જોડાવાનાં સંકેત આપ્યા હતા.સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરએ જણાવ્યું હતું કે કેટલાક લોકો સવાલો કરી રહ્યા છે, કે આંદોલનો કરી શું હાથમાં આવ્યું ત્યારે મારે જણાવવું છે કે આંદોલનથી આજે ગુજરાતભરમાં ૧૮ હજાર ગામો એક મંચ પર આવ્યા છે,આંદોલનથી દારૂબંધી જે માત્ર કાગળ પર હતી તેનો કડક અમલ થઈ રહ્યો છે,તેમજ સમાજ નશામુકત થાય સમાજ શિક્ષિત થાય અને સમાજમાં રોજગારી વધે એ બાબતે ઠાકોર સેનાં કામ કરી રહી છે,આપણી લડાઈ કોઈ પાર્ટી સાથેની નથી,આપણી લડાઈ સરકારની વ્યવસ્થા સામે છે,સરકાર હાલ દારૂબંધી,શિક્ષણ,જેવા અનેક મુદ્દાઓમાં નિષ્ફળ રહી છે,આપણે લોકોને સારો શિક્ષણ મળે રોજગારી મળે તેવી સરકાર બનાવવાની છે,અને તેનાં માટે રાજનીતીમાં આવવુંં જરૂરી છે,એટલે હું તમને પુછવા આવ્યો છું,તમારો આદેશ હશે તો રાજનીતીમાં જઈશું અને તે પણ સારા લોકો સાથે,તેઓએ કહ્યું હતું કે સમાજનાં જનાદેશ માટે રાજનીતીમાં જોડાવવું જરૂરી છે,પરંતુ સમાજની મંજુરી જરૂરી છે,એમ કહેતા સમાજે તેનાં માટે હકારમાં મંજુરી આપીને અલ્પેશ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેનાં નારા લગાવ્યા હતા. ભાજપ કે કોંગ્રેસ કયા રાજકીય પક્ષમાં જોડાવવું તેનો નિર્ણય તેઓ ૯મી ઓકટોબરે ગાંધીનગરમાં લેશે આ જનાદેશ સંમેલનમાં ઠાકોર સેનાનાં આણંદ જિલ્લા પ્રમુખ અમિત ઠાકોર,બોરસદ તાલુકા પ્રમુખ રાજુ ઠાકોર,ઉપપ્રમુખ ગોપાલચંદ્ર ઠાકોર સહીત મોટી સંખ્યામાં ઠાકોર સેનાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.