(એજન્સી) નવી દિલ્હી, તા.ર
લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કારમી હાર, રાહુલ ગાંધીનું અધ્યક્ષ પદેથી રાજીનામું અને નવા અધ્યક્ષની નિમણૂકમાં થઈ રહેલ વિલંબ જેવા મુદ્દાઓનો સામનો કરી રહેલ કોંગ્રેસ પક્ષના પ્રવકતા સંજય ઝાએ કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા ખાસ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. પાંચમુદ્દાઓવાળી આ યોજનામાં એમણે પક્ષના વરિષ્ઠ નેતાઓને સલાહો આપી છે કે કઈ રીતે કોંગ્રેસને આ કટોકટીમાંથી બહાર કાઢવામાં આવે. ઝાએ સલાહ આપી છે કે, પક્ષે તરત જ નવાબી અને નખરાળા નેતાઓને દૂર કરવા જોઈએ. એ સાથે કોંગ્રેસ કારોબારી કમિટીના સભ્યોની સંખ્યા ૧૧થી વધુ નહીં હોવી જોઈએ. ઝાએ સૌથી પહેલાં પાંચ ઉપાધ્યક્ષોની નિમણૂકો કરવા સલાહ આપી હતી. એમના મતે હાલમાં કોંગ્રેસ અધ્યક્ષને પ્રત્યેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવા સાથે અન્ય બાબતો ઉપર પણ ધ્યાન આપવું પડે છે. પણ વ્યવહારિક રીતે આ સંભવિત નથી જેથી એમની મદદ માટે પાંચ ઉપાધ્યક્ષો (ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ, પૂર્વી અને પૂર્વોત્તર ક્ષેત્રો માટે)ની નિમણૂંક કરવી જોઈએ. એમણે કહ્યું કે કોંગ્રેસની મીટિંગોમાં મોટાભાગે દિશા નિર્દેશોનો અભાવ હોય છે. ખબર જ નથી પડતી કે કયા કારણે મીટિંગ બોલાવાઈ છે જ્યારે મીટિંગ પછી પણ કરાયેલ નિર્ણય બાબત પણ સ્પષ્ટતા નથી હોતી. એમણે કહ્યું સીડબ્લ્યુસીને પુનઃગઠિત કરવું જોઈએ. એને નાનું કરવું જોઈએ. હાલમાં રપ સભ્યો છે એના બદલે વધુમાં વધુ ૧૧ સભ્યો જ હોવા જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષનું કાર્યકાળ પણ ત્રણ વર્ષનું હોવું જોઈએ. એમણે કહ્યું કે, પક્ષે રિટેલ ક્ષેત્ર પાસેથી પણ ફંડ મેળવવું જોઈએ, પછી ભલે એ વ્યક્તિઓ, પરિવારો, દુકાનદારો, ખેડૂતો, વ્યવસાયિકો દ્વારા મળતી નાની રકમ કેમ ના હોય. આ જ વર્ગ એક સમયે કોંગ્રેસનો પારંપારિક વર્ગ હતો જેની સાથે કોંગ્રેસ જોડાયેલ હતી.