(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
આજે મળેલી મહાનગર સેવાસદનની સમગ્ર સભામાં સત્તાધારી ભાજપ સહિત વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ દબાણો દુર કરવા સહિત ચોમાસા પૂર્વેની અધુરી કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા બગીચાઓમાં પાર્લરોની જગ્યા અમુલ જેવી એકજ પાર્ટીને આપી દેવાના મુદ્દે રજૂઆતો કરી હતી.
સભાની શરૂઆતમાં મેયર ડો. જીગીશાબેન શેઠનાં સ્થાને ડો.મેયર ડો. જીવરાજ ચૌહાણનાં અધ્યક્ષપદે થઇ હતી. કોંગ્રેસના અમી રાવતે કહ્યું કે, બગીચાઓમાં પાર્લરો માત્ર અમુલને સીધે સીધા આપવાને બદલે જાહેર હરાજીથી કે ટેન્ડર મંગાવી આપવામાં આવે તો કોર્પોરેશનને આર્થિક લાભ થશે. ઉપરાંત જાહેર માર્ગ ઉપર પાર્લરો આપવામાં આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પરિણામે અકસ્માતો થાય છે.
કોંગ્રેસનાં બાપુ સૂર્વેએ જણાવ્યું કે, તેમના વિસ્તારમાં પીવાનું પાણી દુષિત આવે છે છતાં કામગીરી થતી નથી. પાણી પુરવઠાના અધિકારીઓ સાંભળતા નથી. ફરીદ કટપીસવાળાએ કહ્યું કે, આજવા – નિમેટાની પાણીની લાઇન ઉપર બાંધકામ થઇ ગયું છે. છતાં દૂર કરવામાં આવતું નથી. ગરીબોના ઝૂપડા તરત દૂર કરવામાં આવે છે. તાત્કાલીક પાણીની લાઇન ઉપરનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા તેમણે માંગણી કરી હતી.
ભાજપના હેમલતાબેન ગોરે તેમના વિસ્તારમાં ફુટપાથ ઉપર થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા માંગણી કરી હતી. રાજેશ આયરે એ તેમના વિસ્તારને આવરી લેતી નવીન ટીપી ૮ અને ૧૦ કોઇપણ રૂકાવટ વગર પૂર્ણ થાય તેવી રજૂઆત કરી હતી.