(એજન્સી) શ્રીનગર, તા. ૨૨
જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પારો ચડી ગયો છે. પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી તરફથી ગઠબંધનની સરકાર બનાવવાના દાવા બાદ ખીણમાં રાજકીય ધમસાણ ચાલુ છે. ગઠબંધનની સરકારના દાવા પર રામ માધવના સરહદ પારથી નિર્દેશવાળા નિવેદન પર ઓમર અબ્દુલ્લાહે વળતો પ્રહાર કર્યો છે. ઓમર અબ્દુલ્લાહે રામ માધવને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે રામ માધવ હિંમત છે તો પાકિસ્તાનના ઇશારે કામ કરવાના પુરાવા લાવો, આરોપો પુરવાર કરો, તમારી પાસે રો,એનઆઇએ અને આઇબી છે. તમે પુરાવાઓ જાહેર કરો નહિંતર માફી માગો. ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું કે રાજ્યપાલે કહ્યું કે અલગ-અલગ વિચારસરણીવાળા એક સાથે કેવી રીતે આવી શકે છે ? તો હું પુછું છું કે શું તમે આ પ્રશ્ન પહેલા પીડીપી અને ભાજપને પૂછ્‌યો ન હતો… પીડીપી અને ભાજપની સરખામણીએ અમારા, પીડીપી અને કોંગ્રેસ વચ્ચે મતભેદો ઓછા છે. અમે તો પોતાના મનથી એકસાથે આવી રહ્યા હતા. અમારી સામે આ આરોપ કેવી રીતે લાગી શકે છે… ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે અમે સિદ્ધાંતોની સોદાબાજી કરતા નથી. અમે માત્ર રાજ્યની બહેતર માટે સાથે આવવા તૈયાર થયા અને ભવિષ્યમાં પણ તૈયાર રહીશું. લોકશાહીમાં સંખ્યા સૌથી જરૂરી અને મહત્વની હોય છે અને અમારી પાસે સંખ્યા હતી. ગઠબંધનની વાત પર ઓમરે કહ્યું કે અમે માત્ર પોતાના રાજ્યને બચાવવા માગતા હતા. અમારો હેતુ આખી કોમને બદનામ કરવાની કોશિશને રોકવાનો હતો. તેમણે કહ્યું કે અમારી પાસે નંબર ન હતો, એમ કહેવા માટે રાજ્યપાલ પાસે કોઇ આધાર ન હતો. બહુમતી તો વિધાનસભામાં પૂરવાર થવાની હતી પરંતુ રાજ્યપાલે કોઇની પણ ન સાંભળી. તક આપ્યા વગર આ સરકાર હંગામી હોત, એમ કહેવાનું ખોટું છે.

જમ્મુ-કાશ્મીરમાં NCએ પાકિસ્તાનના આદેશ પર કામ કર્યાનો આરોપ રામ માધવે પાછો ખેંચ્યો

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા વિસર્જન થયા બાદ રાજકીય નિવેદનબાજી ઉગ્ર થઇ ગઇ છે. પાકિસ્તાનથી નિર્દેશ મળતા સરકારની રચનાની કોશિશ સાથે સંબંધિત નિવેદન ભાજપના મહામંત્રી રામ માધવે પાછું ખેંચી લીધું છે પરંતુ ઓમર અબ્દુલ્લાહને કહ્યુંં છે કે તેમણે આગામી ચૂંટણીઓ પણ પીડીપી સાથે મળીને જ લડવું જોઇએ. રામ માધવે ગુરૂવારે સવારે ટિ્‌વટ કરીને પોતાના શબ્દો પાછા ખેંચ્યા અને કહ્યું કે ‘હું હાલમાં ઐઝોલ પહોંચ્યો છું અને આ (ઓમર અબ્દુલ્લાહનું ટિ્‌વટઃ જોયું… હવે જ્યારે તમે કોઇ બાહ્ય દબાણની વાતનો ઇનકાર કરી રહ્યા છો, હું પોતાની ટિપ્પણીઓ પાછી લઇ રહ્યો છું પરંતુ હવે જ્યારે તમે પૂરવાર કરી દીધું કે નેશનલ કોન્ફરન્સ (એનસી) અને પીડીપી વચ્ચે સાચો પ્રેમ હતો, જેના કારણે સરકારની રચનાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી તો હવે તમારે આગામી ચૂંટણીઓ સાથે મળીને લડવી જોઇએ… નોંધનીય છે કે આ રાજકીય ટિપ્પણી છે, વ્યક્તિગત નથી… રામ માધવે કહ્યું હતું કે ગયા મહિને પીડીપી અને નેશનલ કોન્ફરન્સે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાગ લીધો ન હતો, કારણ કે એમ કરવા માટે તેમને સરહદ પારથી આદેશ મળ્યો હતો કદાચ આ વખતે તેમને લેટેસ્ટ આદેશ મળ્યો છે કે તેઓ સાથે આવે અને સરકાર બનાવે.