(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૭
ગુજરાતની ભાજપ સરકાર બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને માત્ર પ૦ રૂપિયાની સબસીડી આપી મજાક કરવાનું બંધ કરે. પ૦ કિલો બટાકાના ઉત્પાદન પાછળ ખેડૂતોને રૂા.૭પ૦ જેટલો ખર્ચ થતો હોય તેની સામે બજારમાં માત્ર પ૦ રૂપિયા જ મળે છે. જ્યારે સરકાર માત્ર પ૦ રૂપિયા સબસીડી આપી મજાક કરી રહી છે ત્યારે જો સરકાર મગફળીની રૂા.૯૦૦ના ભાવે ખરીદી કરી શકતી હોય તો બટાકા પણ પોષણક્ષમ ભાવે તાત્કાલિક ખરીદવાની જાહેરાત કરવી જોઈએ.
કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે પ્રશ્ન કરતાં જણાવ્યું છે કે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને પ૦ કિલોગ્રામ બટાકાનાં ઉત્પાદન પાછળ રૂપિયા ૭પ૦ જેટલો ખર્ચ થાય છે. તેની સામે અત્યારે પ૦ કિલોના માત્ર રૂા.પ૦ જેટલા બજાર ભાવ અને સરકારની મજાકરૂપ રૂા.પ૦ સબસીડીથી વ્યાપક આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આથી આ મજબુરી આપઘાતમાં પરિણામે તે પહેલાં ખેડૂતોને બટાકાના પાકમાં થઈ રહેલો હળહળતો અન્યાય તાકીદે દૂર કરવો જોઈએ. બટાકા પકવતા ખેડૂતો પ૦ કિલો બિયારણ રૂપિયા પ૦૦ના ભાવે લાવી પ૦ કિલોએ ખાતર-પાણી પાછળ રૂા.પ૦ અને બટાકા કાઢવા, વીણવાની મજૂરીમાં રૂા.ર૦ ખર્ચ કરે છે. આ પછી કોલ્ડ સ્ટોરેજમાં પ૦ કિલો કટ્ટાનું ભાડું રૂા.૧૦૦, બારદાનના રૂા.૧૭ તેમજ ખેતરથી સ્ટોરેજ અને સ્ટોરેજથી માર્કેટ સુધી પ૦ કિલો બટાકા લઈ જવાનું ભાડુ રૂા.ર૦ થાય છે. આમ, પ૦ કિલો બટાકાના ઉત્પાદન પાછળ રૂા.૭પ૦ જેટલાં થતા ખર્ચ સામે ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે.
બટાકામાં ખેડૂતોને માત્ર બે-ચાર મહિના માટે સબસીડી આપી આર્થિક રીતે બેહાલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ગ્રીન હાઉસ, ટપક સિંચાઈ પદ્ધતિ, વીજ જોડાણ જેવી સમસ્યાઓ વેઠી રહેલાં ખેડૂતોને ભાજપ સરકાર પાક વીમાનું પુરૂં વળતર પણ આપતી નથી. આ ઉપરાંત પોષણક્ષમ ભાવો નહીં મળતાં આર્થિક મજબૂરીથી આત્મહત્યા કરી લેતાં ખેડૂતોના મૃત્યુને પણ કુદરતી મોતમાં ખપાવવા સરકારી તંત્ર નિર્લજ્જ પ્રયાસ કરે છે.