Ahmedabad

રાજ્ય સરકારના ૧૬ બોર્ડ નિગમોન કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ

અમદાવાદ, તા.૩
ગુજરાત સરકારે આજરોજ રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત ૧૬ બોર્ડ નિગમોને સાતમા પગાર પંચના લાભો પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે. જેનો ૧૭૧૦ કર્મચારીઓને લાભ થશે આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક રૂા.૧૦.૦૬ કરોડનો વધારાનો બોજ પડશે.
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, બોર્ડ નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની રજૂઆતો ધ્યાને લઈ રાજ્ય સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર ગુજરાત જમીન વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ઘેટાં અને ઊન વિકાસ નિગમ, ગુજરાત પોલીસ આવાસ નિગમ, ગુજરાત અનુ.જાતિ વિકાસ કોર્પોરેશન, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત ગ્રામ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના કુલ ૧૭૧૦ કર્મચારીઓને આ લાભો મળશે.
તેમણે ઉમેર્યું કે, આ બોર્ડ – નિગમોને સાતમા પગાર પંચનો લાભ તા.૦૧-૧૦-ર૦૧૭થી આપવામાં આવશે. ગુજરાત ખાદી ગ્રામોઉદ્યોગ બોર્ડના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભો પણ આપવામાં આવતાં હોય છે તેવા ર૧૭ કર્મચારીઓને પેન્શન સુધારણાના લાભો મળશે.