(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
ઈદેમિલાદુન્નબી (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની આવતીકાલ તા.ર૧ને બુધવારના રોજ ખૂબ જ શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવનાર છે. આશિકાને રસૂલ છેલ્લા ૧૧ દિવસથી સરકારની આમદની ખુશીમાં જોશભેર તૈયારી કરી રહ્યા હતા. હવે આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ગામ, શહેર કે જિલ્લામાં દુરૂદો સલામ અને હમ્દો ન્આત પઢતા-પઢતા જુલૂસ ફેરવવામાં આવશે.
રબિઉલ અવ્વલના પ્રથમ ચાંદથી જ મસ્જિદો-મહોલ્લા, સોસાયટીઓ વગેરેમાં કુર્આનખ્વાની, ન્આતખ્વાની, તકરીર, ઈનામી જલ્સાનું આયોજન કરાઈ રહ્યું હતું. જાહેર રસ્તા, મસ્જિદો-દરગાહો, શેરી, મહોલ્લા, પોળ, સોસાયટીઓમાં રોશનીનો ઝગમગાટ, ધજા, પતાકા, ઝંડીઓ લહેરાવી આશિકાને રસુલ આકાની મિલાદની જોશભેર તૈયારીઓ કરી રહ્યા હતા. છેલ્લા ૧૧ દિવસના ઈન્તેજાર બાદ આવતીકાલે ઈદોની ઈદ ઈદેમિલાદની ઉજવણી કરવા થનગનાટ જોવા મળતો હતો.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે. આ વખતે સૌથી ધ્યાનાર્ષક બાબત એ છે કે ઈદેમિલાદના જુલૂસમાં આશિકોએ કઈ રીતે સામેલ થવું તે અંગે દાવતે ઈસ્લામી દ્વારા જુલૂસના આદાબ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નમાઝની પાબંદી કરવી, બાવુઝુ રહેવું, ડી.જે. મ્યુઝિકથી બચવું, ઔરતોએ સામેલ ન થવું, મ્યુઝિકવાળા કલામ ન વગાડવા, ચોકલેટ, ફળો, ન્યાઝ, લંગરને છૂટા ન ફેંકતા હાથોહાથ વહેંચવા વગેરેનો અમલ કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ લોકોને દર્દભરી અપીલ કરી છે.
દરમ્યાન ઈદની ખુશીમાં અન્યોને પણ સામેલ કરવા વિવિધ આયોજનો થઈ રહ્યા છે. આશિકોએ ચોકલેટ, બિસ્કીટ, ફળો, મીઠાઈ, ફરસાણ જે મળ્યું તે સ્ટોક કરી લીધો છે. જેને આવતીકાલે વહેંચવામાં આવશે. કેટલાક યુવાનોએ હોસ્પિટલોમાં ફળો વહેંચવાની તૈયારી કરી છે તો અમુક લોકોએ ગરીબો વિધવાઓ અને યતિમોને આ ખુશીમાં સામેલ કરવા અનાજની કીટ વહેંચવાનું નક્કી કર્યું છે. આમ ઈદે મિલાદની અનેકવિધ રીતે યાદગાર ઉજવણી કરવા આશિકો થનગની રહ્યા છે.